Get The App

વડોદરામાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી ભરાતા વાહનો અટવાયા

કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે પાણી ભરાવવાની કાયમી સમસ્યા ઃ વરસાદથી વાતાવરણમાં પ્રસરેલી ઠંડક

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી ભરાતા વાહનો અટવાયા 1 - image

વડોદરા, તા.9 વડોદરા શહેર અને જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ આજે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં માત્ર એક ઇંચ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારો પાણી..પાણી થઇ ગયા હતાં. ગરમી અને ઉકળાટનો સામનો કરતા લોકોને વરસાદના કારણે આંશિક રાહત થઇ હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લે તા.૧ જુલાઇના રોજ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ત્યારબાદ વાતાવરણ બદલાયું હતું. વાદળો ઘેરાતા હતાં પરંતુ વરસાદ વરસતો ન હતો જેના કારણે ઉકળાટ વધી રહ્યો હતો. પરંતુ આજે વાતાવરણ અચાનક બદલાયું હતું અને ઠંડા પવનો સાથે બપોરે ત્રણ વાગ્યા બાદ વરસાદ વરસવાનું શરૃ થયું હતું. સતત વરસાદના કારણે કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે પાણી ભરાઇ જતા વાહનચાલકો ફસાયા હતાં.

બપોર બાદ પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ વડોદરામાં બપોરે બે વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી એક ઇંચ જેટલો વરસાદ નોધાયો હતો. શહેર ઉપરાંત જિલ્લામાં સાવલીમાં ૭, વાઘોડિયામાં ૭, પાદરામાં ૧૨ અને ડેસરમાં ૭ મિમી વરસાદ પડયો હતો. હવામાનખાતાના જણાવ્યા મુજબ તાપમાનનો મહત્તમ પારો સામાન્ય ૦.૬ ડિગ્રી ગગડીને ૩૪.૨ તેમજ ન્યૂનત્તમ ૦.૮ ડિગ્રી ઘટીને ૨૭.૨ ડિગ્રી રહ્યો હતો. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮૫ અને સાંજે ૯૨ ટકા નોંધાયું  હતું.

આજે બપોરે શહેર તેમજ કોઠી વિસ્તારમાં વરસાદનું જોર ન હતું પરંતુ કારેલીબાગ તેમજ પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાંજે વરસાદે વિરામ પાડયા બાદ રાત્રે નવ વાગે ફરી ધોધમાર વરસાદ શરૃ થયો હતો.



Google NewsGoogle News