રેલવે કહે છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જગ્યા આપશે તો સિટિ બુકિંગ સેન્ટર ચાલુ કરીશુ
શહેરની મધ્યમાં આવેલા પદમાવતિ શોપિંગ સેન્ટરમાં 40 વર્ષથી કાર્યરત સિટિ બુકિંગ સેન્ટર બંધ કરવાના નિર્ણય સામે વિરોધ
વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની મધ્યમાં ન્યાય મંદિર પાસે સિટિ સ્ક્વેર બનાવવાનું આયોજન કર્યુ છે. જે અંતર્ગત ન્યાય મંદિર સામે આવેલ પદમાવતિ શોપિંગ સેન્ટર તોડી પાડવામાં આવશે. જે અનુસંધાને કોર્પોરેશનના કહેવાથી શોપિંગ સેન્ટરમાં આવેલુ પશ્ચિમ રેલવેનું ટિકિટ બુકિંગ સેન્ટર મંગળવારથી બંધ કરી દેવામાં આવશે. આ બુકિંગ સેન્ટર અહી બંધ થયા બાદ અન્ય ક્યા સ્થળે ચાલુ થશે તે અંગે રેલવેઓ કોઇ જાણકારી આપી નથી.
પદમાવતિ શોપિંગ સેન્ટર ખાતે 40 વર્ષથી રેલવેનું બુકિંગ સેન્ટર ચાલુ હતું, મહિને ૬,૦૦૦ ટિકિટોનું બુકિંગ
બીજી તરફ રેલવે અધિકારીનું કહેવું છે કે 'હાલમાં અન્ય કોઇ સ્થળે સિટિ સેન્ટર ચાલુ કરવાનો નિર્ણય નથી લેવાયો. જરૃર પડશે તો રેલવે સ્ટેશન ઉપર વધારાનું એક કાઉન્ટર શરૃ કરવામાં આવશે. પદમાવતિ શોપિંગ સેન્ટર ખાતે રોજની સરેરાશ ૨૦૦ અને મહિને ૫૫૦૦ થી ૬૦૦૦ ટિકિટ બુકિંગ થતી હતી. જો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સિટિ વિસ્તારમાં કોઇ સ્થળે જગ્યા આપશે તો અમે સિટિ બુકિંગ સેન્ટર ફરી શરૃ કરવા વિતાર કરીશું'
વીએમસી ઇચ્છે તો જ્યુબિલિ બાગ ખાતે કાઉન્ટર શરૃ થઇ શકે
રેલવે પેસેન્જર એસોસિએશનના પ્રમુખ ઓમકારનાથ તિવારીએ કહ્યું હતું કે 'પદમાવતિ શોપિંગ સેન્ટરની નજીક જ્યુબિલિ બાગ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ખાલી જગ્યા પડી છે. જ્યુબિલિબાગ પોલીસ ચોકીની બાજુમાં જ જગ્યા છે તે જગ્યા રેલવેને ભાડેથી આપવામાં આવે તો ત્યાં સિટિ બુકિંગ સેન્ટર ચાલુ થઇ શકે છે. જે રીતે કોર્પોરેશને આઇસક્રીમ પાર્લરોને જગ્યા આપી છે તે રીતે લોકોના હીતમાં રેલવેને જગ્યાની ફાળવણી કરવી જોઇએ.
35000 વેપારીઓના એસોસિએશનની માગ : પદમાવતિ શોપિંગ સેન્ટર ચાલુ છે ત્યાં સુધી બુકિંગ સેન્ટર પણ ચાલુ રાખો
પદમાવતિ શોપિંગ સેન્ટર સ્થિત રેલવેનું ૪૦ વર્ષથી ચાલતુ ટિકિટ બુકિંગ સેન્ટર બંધ કરવાના રેલવેના નિર્ણય સામે વડોદરાના ૭૦ વેપારી મંડળોના ૩૫,૦૦૦ વેપારીઓના એસોસિએશન વડોદરા વેપાર વિકાસ એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે. વેપારી મંડળના પ્રતિનિધિ મંડળના કેટલાક સભ્યો આ અંગે ડીઆરએમને રૃબરૃ મળીને રજૂઆત પણ કરવાના છે.
રેલવે કહે છે કે સિટિ બુકિંગ સેન્ટર માટે મહિને 6 લાખનો ખર્ચ થાય છે તો તેની સામે 18 લાખની આવક પણ થાય છે
પદમાવતિ શોપિંગ સેન્ટરના વેપારીઓનું કહેવું છે કે રેલવે પાંચ છ વર્ષથી આ સેન્ટર બંધ કરવાની પેરવીમાં છે. રેલવે કહે છે કે તેને આ સેન્ટર ચલાવવા માટે મહિને રૃ.૬ લાખનો ખર્ચ થાય છે. અમારૃ રેલવેને કહેવું છે કે મહિને ૬,૦૦૦ ટિકિટ બુક થાય છે. એક ટિકિટના સરેરાશ રૃ.૩૦૦ ગણો તો રેલવેને મહિને ૧૮ લાખની આવક થાય છે એટલે રેલવે માટે તો આ સેન્ટર કમાતા દીકરા જેવુ જ છે તેમ છતા બંધ કરવાનો નિર્ણય આશ્ચર્યજનક છે.