રિઝર્વેશન સીટ પૈસા લઇને આપી દેતાં હોબાળો રેલવેના ટીસીએ RPF કોન્સ્ટેબલને કહ્યું તુમ ચોર હો, ચોરી કરવાતે હો
સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં રેલવેના ટિકિટચેકરના પ્રવાસીઓ પાસે ઉઘરાણા મુદ્દે પોલીસ ફરિયાદ
વડોદરા, તા.5 સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં પૈસા લઇને અન્ય પ્રવાસીને રિઝર્વ સીટ આપતા ટિકિટચેકર સામે ભારે હોબાળો મચ્યો છે. રેલવે પ્રવાસીના હોબાળા બાદ આરપીએફ કોન્સ્ટેબલ સાથે પણ ઝઘડો કરી અપશબ્દો બોલતાં આખરે ટિકિટચેકર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વડોદરાના વાઘોડિયારોડ પર આવેલી વૈકુંઠ સોસાયટીમાં રહેતો જયેશ ધનાભાઇ રોહિત ભરૃચ આરપીએફમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેણે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનના ટિકિટચેકર નાગેન્દ્ર ઝા સામે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વેસ્ટર્ન રેલવેમાં વડોદરા ડીવીઝનલ સિક્યુટિરિ કમિશનરના આદેશ મુજબ હું તેમજ બીજો કોન્સ્ટેબલ અજીતકુમાર બંને સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમા એસ્કોર્ટિંગની ફરજ પર હતાં. વડોદરાથી ટ્રેન ઉપડયા બાદ ગાર્ડને અમે નામ લખાવ્યું હતું.
બાદમાં ટ્રેનના પાછળના ભાગેથી એસ્કોર્ટિંગ કરતા એસ-૨ કોચમાં અમને ફાળવેલી સીટ પર જઇ તપાસ કરતાં ત્યાં બે વ્યક્તિ બેસેલી હતી તેમને પૂછતાં ટીટીઇએ સીટ ઇસ્યૂ કરી છે તેમ કહ્યું હતું. બાદમાં કોન્સ્ટેબલ અજીતકુમારે એસ-૧ કોચમાં જઇ ટીટીઇ નાગેન્દ્ર ઝાને મળીને પૂછતાં ટીટીઇ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને મેં કિસી કો ભી સીટ દેં સકતા હું, મુજે સબ પતા હૈ, તુમ ક્યા કરતે હો, તુમ ચોર હો, તુમ ચોરી કરવાતે હો, તુમ નોકરી નહી કરતે હ ો, તુમ એસી મે જાકર સો જાતે હો, તમ્હે જીસકો ફરિયાદ કરની હો કરો, મેરા કોઇ કુછ બિગાડ નહી સકેગા તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો.
કોન્સ્ટેબલ અજીતકુમારે આ વાત મને કરી હતી બાદમાં અન્ય કોચમાંથી જાણવા મળ્યું હતું કે જે પ્રવાસીની રિઝર્વ સીટ હતી તેમના સ્થાને અન્ય પ્રવાસી પાસેથી પૈસા લઇને તેમને જગ્યા ફાળવી હતી અને જ્યારે તે સીટ ખાલી કરવાનું કહે તો ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાની ધમકી ટીટીઇએ આપી હતી. આ અંગે જ્યારે મેં ટીટીઇને પૂછ્યુ ત્યારે તેણે ધમકીભર્યા સ્વરે કહ્યુ કે તુમ મુજે નહી પહેચાનતે હો, મે તુમ્હે નોકરી સે નિકલવા દુંગા, મેં કુછ ભી બોલ સકતા હું, તુમ મુજે રોકને વાલે કોન હો, મેરે કામમે દખલ મત દો વર્ના માર ડાલુંગા, તુમ નીકલો યહાંસે, ટીટીઇની દાદાગીરીનો વીડિયો મોબાઇલમાં પણ રેકર્ડ કરી લીધો હતો.