ટ્રેનના એસી કોચમાં ઊંઘતી મહિલાના પર્સની તફડંચી
ભાણેજના લગ્નમાં જતી વખતે કિંમતી સામાન ગુમાવ્યો
વડોદરા, તા.27 ભાણેજના લગ્નમાં જતી વૃધ્ધા ટ્રેનના એસી કોચમાં ઊંઘી ગઇ હતી ત્યારે કોઇ ગઠિયો માથા પાસેથી દાગીના, રોકડ અને મોબાઇલ મૂકેલ પર્સ ઉઠાવી ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે રાજસ્થાનના મૂળ વતની પરંતુ હાલ મુંબઇના અંધેરી કુર્લા વિસ્તારમાં સેન્ટ્રલપાર્ક ખાતે રહેતાં વર્ષાબેન ભરતભાઇ ભટ્ટ (ઉ.વ.૬૪)ના ભાણેજનું લગ્ન આબુરોડ ખાતે હોવાથી તેઓ સંબંધીઓ સાથે અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં બેસી બોરીવલીથી આબુરોડ ખાતે જવા રવાના થયા હતાં.
રાત્રિ મુસાફરી હોવાથી તેઓ ટ્રેનમાં ઊંઘી ગયા હતા અને ત્રણ વાગે જાગ્યા ત્યારે માથા પાસે મૂકેલું ગ્રે કાળા રંગનું પર્સ ગાયબ હતું. આ પર્સમાં મોબાઇલ, રૃા.૩૦ હજાર રોકડ અને સોનાનું માદળિયું મળી કુલ રૃા.૬૦ હજારની મત્તા હતી. આ અંગે વર્ષાબેને રેલવે પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.