અલકાપુરી ગરનાળા ઉપર ૬૦ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ
હાલ રેલવે તંત્ર સાથે અંતિમ બેઠકનો દોર ચાલુઃ દરબાર ચોકડી ખાતે રેલવે બ્રિજનું ૮૨ ટકા કામ પૂર્ણ
વડોદરા, હાલ રેલવે સ્ટેશન વિસ્તારનું પુનર્ગઠન થઇ રહ્યું છે, ત્યારે રેલવે સ્ટેશન પાસેનું અલકાપુરી ગરનાળુ કે ચોમાસા ઉપરાંત કાયમી માથાના દુખાવા સમાન બની ગયું છે, તે ગરનાળાની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે.
કોર્પોરેશનના વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટ અંગેની પત્રકાર પરિષદમાં મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે હાલ આ મુદ્દે રેલવે સત્તાધીશો સાથે અંતિમ બેઠકોનો દોર ચાલુ છે. રેલવે સ્ટેશનના ફતેગંજ બાજુ બસ ડેપો છે, ત્યાંં પણ વધુ આધુનિક ડેવલપમેન્ટ થશે.
અલકાપુરી બાજુ પણ વિકાસની કામગીરી હાથ ધરવાની છે. નવાયાર્ડ બાજુથી બુલેટ ટ્રેનની કામગીરી હાલ ચાલુ છે અને તેના કારણે અવ્યવસ્થા સર્જાઇ છે, તે દૂર કરવામાં આવશે. અલકાપુરી રેલવે ઓવર બ્રિજ આશરે ૬૦ કરોડના ખર્ચે થશે.
અટલાદરા- માંજલપુર રોડ લાઇન પર માંજલપુર દરબાર ચોકટીથી અટલાદરા જતા ૩૬ મીટરની રોડ લાઇન પર મુંબઇ- અમદાવાદ બ્રોડગેજ રેલવે લાઇન પર રેલવે ઓવરબ્રિજ રાજય સરકાર અને રેલવે વિભાગ દ્વારા ૫૦-૫૦ ટકા કોસ્ટ શેરિંગથી ૪૦.૯૯ કરોડના ખર્ચે કામગીરી ચાલુ છે અને ૮૨ ટકા પામ પૂર્ણ થયું છે. રેલવેએ ૩૦ ટકા કામ પુરુ કર્યું છે.