એસી કોચમાં ગઠિયાઓ સક્રિય રેલવે કર્મચારીના કિંમતી સામાનની ટ્રેનમાંથી ઉઠાંતરી

શૌચાલય જઇને પરત આવતાં જ સામાન ગાયબ ઃ ચોરે ફોન ઉઠાવ્યો બાદમાં સ્વીચ ઓફ કરી દીધો

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
એસી કોચમાં ગઠિયાઓ સક્રિય  રેલવે કર્મચારીના કિંમતી સામાનની ટ્રેનમાંથી ઉઠાંતરી 1 - image

વડોદરા, તા.16 ટ્રેનના એસી કોચમાં લઘુશંકા માટે ગયેલા રેલવે કર્મચારીના મોબાઇલ અને પર્સ સહિતની મત્તા કોઇ ગઠિયો ઉઠાવી ગયો હતો.

આ અંગેની વિગત એવી છે કે મહેસાણામાં મોઢેરારોડ પર શ્યામવિહાર ખાતે રહેતા મનમોહન દેવીલાલ સોની રેલવેમાં નોકરી કરે છે. તેઓ પરિવારના સભ્યો સાથે જબલપુર રેલવે સ્ટેશનથી જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં બેસી અમદાવાદ આવતા હતાં. રાત્રિ મુસાફરી હોવાથી તેઓ ઊઁઘી ગયા હતાં. વહેલી સવારે ટ્રેન વડોદરામાં છાયાપુરી રેલવે સ્ટેશન પર આવી હતી.

ટ્રેનમાં ચડવા અને ઉતરવા માટે પેસેન્જરોની ભીડ ઓછી થયા બાદ મનમોહન સોની શૌચાલયમાં ગયા હતા અને બાદમાં તેઓ પરત ફર્યા ત્યારે ઓશિકા નીચે મૂકેલ મોબાઇલ અને મનીપર્સ ગાયબ હતું. તેમણે અન્ય મોબાઇલ પરથી પોતાનો નંબર લગાવતા સામેથી કમલેશ પટેલ એસઆઇપીએફ બોલું છું તેમ કહ્યું  હતું. બાદમાં મનમોહને છાયાપુરી રેલવે ઓફિસ તેમજ આરપીએફ કચેરીમાં તપાસ કરતાં આ નામની કોઇ વ્યક્તિ નહી હોવાનું જણાયું  હતું. ફરીથી તે નંબર પર ફોન કરતાં ફોન સ્વીચ ઓફ થઇ ગયો  હતો. આખરે આ અંગે રૃા.૪૮૩૯૯ની મત્તા ચોરી થઇ હોવાની ફરિયાદ રેલવે પોલીસમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News