મોબાઇલચોરના કારણે આરપીએફ અને રેલવે કર્મચારીઓ આમનેસામને

આરપીએફના એએસઆઇએ ઉધ્ધતાઇભર્યું વર્તન કર્યું - રેલવે કર્મચારી ઃ કર્મચારીએ મોબાઇલચોરને ભગાડયો - આરપીએફ

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
મોબાઇલચોરના કારણે આરપીએફ અને રેલવે કર્મચારીઓ આમનેસામને 1 - image

વડોદરા, તા.19 વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારી અને આરપીએફ ફરી આમનેસામને આવી ગયા છે. ગઇરાત્રે મોબાઇલચોરને ઝડપવાની કાર્યવાહી દરમિયાન આરપીએફ સ્ટાફ દ્વારા રેલવે કર્મચારી સાથે કરેલા ઉધ્ધત વર્તનનો એક વીડિયો પણ વાયરલ થયો છે. આ અંગે બંને પક્ષોએ રેલવે પોલીસમાં અરજી આપતા પોલીસ દ્વારા પણ તપાસ  હાથ ધરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે આજે સવારે રેલવે સ્ટેશન પર એક ટ્રેન આવતાં આરપીએફનો એએસઆઇ ઇમરાન મન્સુરી એક મોબાઇલચોર પાછળ દોડયો હતો. આ એએસઆઇ ખાનગી ડ્રેસમાં હતો અને તે સીધો પાર્સલ ઓફિસમાં અંદર જઇને બહાર નીકળ્યો હતો. આ વખતે પાર્સલ ઓફિસના કર્મચારી અક્ષય રાવડેએ એએસઆઇ ખાનગી ડ્રેસમાં હોવાથી તું અંદર કેમ આવ્યો તેમ પૂછતાં એએસઆઇએ અપશબ્દો બોલી રેલવે કર્મચારી સાથે ઉધ્ધત વર્તન કર્યું હતું.

આ અંગે રેલવે કર્મચારી યુનિયન દ્વારા આરપીએફના એએસઆઇ ઇમરાન મન્સુરીની આ વર્તણૂંક અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી આરપીએફના એએસઆઇ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. બીજી બાજુ અક્ષય રાવડેએ જણાવ્યું હતું કે આરપીએફનો જવાન ખાનગી ડ્રેસમાં હોવાથી મને ખબર ન હતી અને તે અંદર આવતા તેને રોક્યો હતો. જ્યારે આરપીએફના સૂત્રોએ જણાવ્યું હતું કે રેલવે કર્મચારીએ મોબાઇલચોરને ભગાડવામાં મદદ કરી છે. આમ બંને પક્ષો હાલમાં સામસામે આવી ગયા છે.

ઉપરોક્ત વિગતો અંગે બંને પક્ષો દ્વારા રેલવે પોલીસ સ્ટેશનમાં સામસામે અરજી આપવામાં આવી છે જેની તપાસ રેલવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે રેલવે પોલીસે બપોરે જે મોબાઇલચોર માટે રેલવે કર્મચારી અને આરપીએફ વચ્ચે ખટરાગ સર્જાયો તે મોબાઇલચોર ઇમરાન ખલાસીને ઝડપી પાડયો હતો.




Google NewsGoogle News