ઉત્તરાયણ પહેલા સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો ઃ ૭૮ લાખનો વિદેશી દારૃ પકડાયો
બૂટલેગર સુનિલ ઉર્ફે અદો સહિત પાંચ ઝડપાયા ઃ ૧૩ વાહનોના માલિકની શોધખોળ શરૃ કરતી પોલીસ
વડોદરા થર્ટી ફર્સ્ટ પછી હવે ઉત્તરાયણ દરમિયાન દારૃની રેલમછેલ થતી હોવાના કારણે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રાજ્યભરમાં દરોડાઓ પાડયા છે. આજવા રોડ સરદાર એસ્ટેટમાં દારૃના કટિંગ સમયે જ ટીમે દરોડો પાડીને બૂટલેગર સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડી ૭૮ લાખ ઉપરાંતનો વિદેશી દારૃ કબજે કર્યો છે.
છેલ્લા બે દિવસથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સમગ્ર રાજ્યમાં દારૃના દરોડા મોટા પાયે શરૃ કર્યા છે. જૂનાગઢ, પોરબંદર, પાટણ, સુરત, બનાસકાંઠા અને વડોદરામાં દરોડા પાડયા છે. એસ.એમ.સી.ની ટીમને માહિતી મળી હતી કે, આજવા રોડ સરદાર એસ્ટેટ શ્રી હરિ એસ્ટેટ નજીક ઓપન પ્લોટમાં દારૃની કટિંગ થવાનું છે. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે છૂટાછવાયા ઉભા રહીને વોચ ગોઠવી હતી. દારૃની કટિંગ સમયે જ પોલીસે રેડ પાડતા બૂટલેગર અને તેના સાગરીતોમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૃની ૩૮,૪૧૨ બોટલ કિંમત રૃપિયા ૭૮,૦૦,૬૦૦, ૧૩ વાહનો કિંમત રૃપિયા ૪૬.૦૫ લાખ, આઠ મોબાઇલ ફોન કિંમત રૃપિયા ૪૦,૫૦૦ મળી કુલ રૃપિયા ૧.૨૪ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સ્થળ પરથી (૧) બૂટલેગર સુનિલ ઉર્ફે અદો પ્રકાશભાઇ કેવલરામાણી (૨) મુકેશ નારણદાસ માખીજાની (૩) ચિરાગ દિલીપભાઇ ઠાકોર (૪) અજય ભીખાભાઇ રાઠોડ તથા (૫) સોનુ હરદયાલભાઇ કોળી ને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ લાલુ સિન્ધી, વાહનોના માલિક અને ડ્રાઇવર અને દારૃ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે વાહનોના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.