રાજ્યમાં જુદા જુદા વેપારીઓના બાવન સ્થળે દરોડાની કાર્યવાહી
કારેલીબાગ અને દાંડિયાબજારમાં વેપારીઓને ત્યાં જીએસટીના દરોડા
વેપારીઓ દ્વારા અપાતા માલ અને સર્વિસીસના બદલામાં બિલો ન આપીને કરચોરી કરાય છે
વડોદરા,સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા વિવિધ સેક્ટરમાં કરચોરી અટકાવવા વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરીને બાવન સ્થળે પાડેલા દરોડામાં વડોદરાના કારેલીબાગ અને દાંડિયાબજાર વિસ્તારમાં ૧૫ સ્થળે તપાસ હાથ ધરી હતી.
કુલ બાવન સ્થળે પાડેલા દરોડામાં સૌથી વધુ સુરતના ચૌટાબજાર અને ચોકબજારાં ૨૦ સ્થળે કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, મહેસાણા વગેરે સ્થળે પણ સપાટો બોલાવ્યો હતો. બાવન સ્થળેથી ૮.૧૦ કરોડની કરચોરી મળી આવી હતી. સિરામિક ભંગાર, મોબાઈલ ફોન, કોસ્મેટિક્સ આઈટમ્સ, ફરસાણ, હોટેલ - રેસ્ટોરાં, ટૂર ઓપરેટર, કોચિંગ ક્લાસિસ, પ્રિન્ટીંગ સર્વિસિસ સાથે આ વેપારીઓ સંકળાયેલા છે. તપાસની કાર્યવાહીમાં વેપારીઓના ઘણા બધા બિનહિસાબી વ્યવહારોને લગતા દસ્તાવેજો અને પુરાવાઓ મળી આવેલા હતા. હિસાબી સાહિત્ય મુજબ સ્ટોકમાં તથા ખરેખર હાજર સ્ટોકમાં પણ તફાવત હતો. મળવાપાત્ર ન હય તેવી વેરાશાખ ભોગવેલી હોવાનું બહાર આવેલું હતું. હજી પણ તપાસની કાર્યવાહી ચાલી રહી છે.માર્કેટમાં વિવિધ સ્કેટરમાં ટ્રેડ પ્રેક્ટીસનો અભ્યાસ કરી તેના આધારે ટેક્ષપેયરો દ્વારા કરચોરી કરવા અપનાવાતી યુક્તિઓ શોધી કાઢવામાં આવે છે, અને આવા ટેક્ષપેયરોનું સિસ્ટમ આધારિત પ્રોફાઈલિંગ કરવામાં આવે છે. જેમાં જણાયું હતું કે, ગ્રાહકોને કરવામાં આવતા વેચાણો તથા આપવામાં આવતી સર્વિસીઝના બિલ અપાતા નથી. તેમજ ખોટી વેરાશાખના ક્લેમ કરાય છે.