મનરેગા યોજનામાં મૃત વ્યક્તિના નામે પૈસા ઉપાડી લેવાનું કૌભાંડ

વડોદરા તાલુકાના સમસાબાદ ગામની મહિલા મૃત્યુ પામ્યાના ૭૫ દિવસ સુધી વેતન મેળવતી રહી

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
મનરેગા યોજનામાં મૃત વ્યક્તિના નામે પૈસા ઉપાડી લેવાનું કૌભાંડ 1 - image

વડોદરા, તા.18 વડોદરા તાલુકાનાં સમસાબાદ ગામમાં મનરેગા યોજનાનું કૌભાંડ બહાર આવ્યું છે. એક શ્રમિક મહિલા મૃત્યુ પામી  હોવા છતાં તેના નામે પાંચ મહિના સુધી મનરેગાના જોબકાર્ડમાં હાજરી બતાવી બેંકમાંથી બારોબાર પૈસા ઉપાડી લેવાયા હોવાનું બહાર આવતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વડોદરા તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન કંચનભાઇ પટેલે વરણામા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ફરજ પર જોડાઇ તે પહેલા મનરેગા યોજનાની અરજી અનુસંધાન નિયામક ગ્રામ વિકાસ એજન્સી, વડોદરાની સુચના મુજબ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સમસાબાદના જોબકાર્ડ ધારકોને જૂન-ડિસેમ્બર ૨૦૨૨ના સમયગાળામાં પાંચ તબક્કે રોજગારી આપવા માટે જોબકાર્ડ ઇસ્યૂ  કરવામાં આવ્યા હતા. જોબકાર્ડમાં હાજરી પુરીને વેતનના નાણાં શ્રમિકોને બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતા હતા. 

એક મૃત શ્રમિક ગંગાબેન રાવજીભાઇ પાટણવાડિયાના ખાતામાં રેગ્યુલર પૈસા જમા કરાવવામાં આવતા હતા. સામાન્ય સંજોગોમાં શ્રમિકનુ મૃત્યુ થયા બાદ તેનું જોબકાર્ડ રદ્દ કરાવવાનું હોય છે. પરંતુ આ કિસ્સામાં મૃતકનું નામ ચાલુ હતું. અને તેની સામે મસ્ટર રોલમાં ૭૫ દિવસની તેમની હાજરી પણ પૂરવામાં આવી હતી જેના મહેનતાણા પેટે તેમના બેંક એકાઉન્ટમાં રૃ.૧૭,૯૨૫ જમા કરાવવામાં આવ્યા હતા.

ત્યાર બાદ મનરેગા યોજના હેઠળ બેંક ખાતામાં જમા થયેલા વેતનની રકમ વાસણા ભાયલી રોડ પર આવેલા બેંકના એટીએમ મશીનમાંથી ઉપાડી લેવામાં આવી હતી. ઉપરોક્ત ઘટના તાલુકા પંચાયતના ધ્યાનમાં આવતા સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ઉપરોક્ત વિગતોની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News