દાહોદની પ્રાયોજના વહીવટદાર કચેરીમાં પણ કૌભાંડનો પર્દાફાશ

અબુબકર સૈયદ, સંદિપ રાજપૂત ઉપરાંત વડોદરાના માંજલપુરના વધુ એક આરોપી અંકિત સુથારની ધરપકડ

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
દાહોદની પ્રાયોજના વહીવટદાર કચેરીમાં પણ કૌભાંડનો પર્દાફાશ 1 - image

નસવાડી તા.૨ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે સિંચાઇ વિભાગની નકલી કચેરી બનાવી છોટાઉદેપુરની પ્રાયોજના વહીવટદાર કચેરીમાં રૃા.૪.૧૫ કરોડનું કૌભાંડ આચરનાર ભેજાબાજોએ દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરીમાં પણ કામો કર્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જ્યારે કૌભાંડમાં ત્રીજા આરોપીની પણ ધરપકડ કરાઈ છે. ત્રીજો આરોપી ખોટી દરખાસ્તો બનાવી પ્રાયોજના વહીવટદાર કચેરીમાં પહોંચાડતો હતો.

છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર કચેરીમાંથી રૃા.૪.૧૫ કરોડની ગ્રાન્ટ મેળવી અને નકલી સિંચાઈ કચેરી બનાવી સરકારને ચૂનો લગાડનાર ઠગ ટોળકીના નવા નવા કરતૂતો બહાર આવી રહ્યા છે. ઠગ ટોળકીના ત્રીજા સાથીદાર અંકિત જગદીશ સુથાર રહે.માંજલપુર,વડોદરા, મૂળ બીલીયા, તા.સિધ્ધપુર, જિલ્લો પાટણ)ની છોટાઉદેપુર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું  હતું કે અંકિત સુથારે બોડેલીની નકલી સિંચાઇ કચેરીના નકલી અધિકારી સંદિપ રાજપુતનું બોગસ કાર્ડ બનાવી આપ્યું હતું અને  અબુબકર જાકીરઅલી સૈયદની ઓફિસમાં ખોટા દસ્તાવેજો ટાઈપ કરી સંદિપ રાજપૂતની દરખાસ્તો ઉપર સહિ કરાવી લેતો હતો. આ દરખાસ્તો છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર કચેરી ખાતે અંકિત સુથાર પહોચાડતો હતો. આ કૌભાંડમાં અત્યાર સુધી કુલ ત્રણની ધરપકડ થઇ છે. આગામી દિવસોમાં બીજા આરોપીની પણ ધરપકડ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

નકલી એક્ઝિક્યૂટિવ એન્જિનિયર સંદિપ રાજપૂતે તપાસ દરમિયાન નવો ખુલાસો કર્યો છે તેને પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર કચેરી જેવું જ કૌભાંડ દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરી અને અન્ય કચેરીઓમાં થયું છે. પોલીસે તેની માહિતી ગાંધીનગર સુધી પહોંચાડી છે. આ કૌભાંડ સંદર્ભે બીજો ગુનો દાહોદમાં પણ નોંધાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં હજી સુધી એક પણ સરકારી અધિકારી કે કર્મચારીની સંડોવણી બહાર આવી નથી તેમજ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી પણ થઇ નથી.




Google NewsGoogle News