વડોદરામાં લેડીઝ માટે ડોરમેટરીને નામે દેહ વ્યાપારનો પદૉફાશ, સંચાલક સહિત ચાર પકડાયા
વડોદરા,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર
સયાજીગંજ વિસ્તારમાં લેડીઝ માટે ડોરમેટરી રૂમના નામે દેહ વ્યાપાર ચલાવતા સંચાલક સહિત ચાર જણાને પોલીસે ઝડપી પાડ્યા હતા.
વિસ્તારમાં આવેલા રોયલ ડોરમેટરી મહિલાઓને રૂમની સવલત આપવાના નામે દેહવેપાર કરવામાં આવતો હોવાની વિગતોને પગલે સયાજીગંજ પોલીસે બોગસ ગ્રાહક મોકલી દરોડો પાડયો હતો. પોલીસને રૂમમાંથી પીડિતા અને ગ્રાહક મળી આવ્યા હતા. તપાસ દરમિયાન ગ્રાહક પાસે રૂ.1300 લઈને પીડીતાને 1000 આપવામાં આવતા હોવાની વિગત ખુલી હતી.
પોલીસે સંચાલક રાજેશ કુમાર સુદામા સિંગ(રાધે રેસીડેન્સી, મકરપુરા એરફોર્સ) ને ઝડપી પાડી તેના ભાગીદાર મૃત્યુંજય કુમાર સિંગને વોન્ટેડ જાહેર કર્યો છે. આ ઉપરાંત અમિતકુમાર વિમલકુમાર ગીરી (રોયલ ડોરમેટરી મૂળ બિહાર), આત્મીય ભુપેન્દ્રભાઈ પટેલ (મુવાલ ગામ, સાવલી) અને શિવા લોકપ્રસાદ નેપાળી (નટરાજ ટાઉનશીપ સયાજી ગંજ મૂળ નેપાળ) ની પણ અટકાયત કરવામાં આવી હતી.