રાજ્યભરના ક્વોરી ઉદ્યોગો દ્વારા ગાંધી જયંતીથી હડતાળની ચીમકી

બ્લેક સ્ટોન ક્વોરી ઉદ્યોગ સંચાલકોએ સરકાર સામે બાંયો ચડાવી ઃ ૧૫ દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો ક્વોરી ઉદ્યોગો બંધ

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
રાજ્યભરના ક્વોરી ઉદ્યોગો દ્વારા ગાંધી જયંતીથી હડતાળની ચીમકી 1 - image

વડોદરા, તા.18 સરકાર દ્વારા બે વર્ષ થવા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહી આવતા સમગ્ર રાજ્યના બ્લેકસ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રિઝે સરકાર સામે બાંયો ચડાવી છે. આજે રાજ્યભરના ક્વોરી એસોસીએશનની મળેલી બેઠકમાં તા.૨ ગાંધી જયંતિથી અચોક્કસ મુદત માટે ક્વોરી ઉદ્યોગ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

રાજ્યના તમામ જિલ્લાઓના બ્લેક સ્ટોન ક્વોરી એસોસિએશનના પ્રતિનિધિઓની મિટિંગ આજે ગાંધીનગર ખાતે મળી હતી. આ મિટિંગમાં સરકારમાં છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ઇસીના કારણે રાજ્યમાં મોટા ભાગની લીઝના એટીઆર લોક કરી દેવામાં આવ્યા છે તેમજ અન્ય નાના મોટા કારણો દર્શાવી રોયલ્ટી પેપર પણ આપવાના બંધ કરી દેવામાં આવ્યા છે તે અંગે ગંભીર વિચારણ થઇ હતી. અગાઉ તા.૧૬ મે ૨૦૨૨ના રોજ સરકાર દ્વારા લેખિતમાં સમાધાન કરવામાં આવ્યું હતું પરંતુ તમામ મુદ્દાઓનું આજ સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી. એટલું જ નહી પરંતુ જીપીએસ સિસ્ટમનો પણ હવે અમલ કરાવવામાં આવી રહ્યો છે.

ઉપરોક્ત તમામ પ્રશ્નો અંગે ક્વોરી એસોસિએશન દ્વારા ત્રણ મહિના પહેલાં સરકારમાં લેખિતમાં જાણ કરવામાં આવી હતી પરંતુ આ પ્રશ્નોનું હજી સુધી નિરાકરણ આવ્યું નથી. આજે મળેલી બેઠકમાં પડતર  મુદ્દા માટે સરકારને વધુ ૧૫ દિવસ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ક્વોરી એસોસિએશને જણાવ્યું  હતું કે તા.૨ ઓક્ટોબર સુધી જો તમામ પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અચોક્કસ મુદત માટે ક્વોરી ઉદ્યોગ બંધ કરી દેવાની ફરજ પડશે. આ અંગે ક્વોરી એસોસિએશન દ્વારા એક ઠરાવ પણ સર્વાનુંમતે પસાર કરવામાં આવ્યો હતો.




Google NewsGoogle News