મધ્ય ગુજરાતની ૧૨૫ ક્વોરી તેમજ ૨૫૦ માઇન્સ અચોક્કસ મુદત સુધી ઠપ
વડોદરાથી સાવલી અને ડેસર સુધીના માર્ગો સૂમસામ ઃ બ્લેક સ્ટોનનું ઉત્પાદન બંધ થતા વિકાસને થનારી અસર
ડેસર તા.૨ સરકાર સાથે વર્ષો જૂના પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતા રાજ્યની ૧૬૦૦ ઉપરાંત કવોરી સંચાલકોએ હડતાળનું શ ઉગામ્યું છે. વડોદરા જિલ્લામાં ડેસર, સાવલી તાલુકામાં આવેલી તમામ ક્વોરીઓ બંધ થતા હજારો ડમ્પરોના પૈડા થંભી જતા ઉદલપુરથી વડોદરાના માર્ગો સૂમસામ બન્યા હતાં.
ગુજરાત બ્લેક સ્ટોન કવોરી એસોસિએશનની દેવભૂમિ દ્વારકા ખાતે યોજાયેલી મિટિંગમાં લીધેલા નિર્ણય પ્રમાણે રાજ્યની ૧૬૦૦ ઉપરાંત કવોરી સંચાલકોએ હડતાળનું શ ઉગામ્યું છે. મોડી રાત્રીથી જ તમામ કવોરીઓમાં કામકાજ બંધ કરી દેવામાં આવ્યું હતું.
મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લા સહિતની ૧૨૫ કવોરી અને ૨૫૦ માઇન્સોના સંચાલકોએ પણ હડતાળમાં જોડાઇ તમામ કવોરીઓ જડબેસલાક બંધ રાખી હતી. ડેસર તાલુકામાં આવેલ ઉદલપુર, રાજનગર, તુલસીગામ, વેજપુર, વરસડા, જાંબુગોરલ,ગોઠડા સહિતના ગામોમાં આવેલ ૭૫ જેટલી કવોરીના સચાલકો પણ બંધમા જોડાયા હતાં. કવોરીઓ બંધ રહેતા દિવસ રાત ફરતા હજારો ડમ્પરોના પૈંડા થંભી ગયા હતા દિવસ રાત ડમ્પરોથી ધમધમતો ઉદલપુરથી સાવલી અને વડોદરા, ઉદલપુરથી નડિયાદ, ગોધરાના માર્ગો આજે તા.૨ ઓક્ટોબરથી સૂમસામ બન્યા હતાં.