ધનતેરસ પર્વે વડોદરામાં ૧૦૦ કરોડના સોના-ચાંદીની ખરીદી
વડોદરાઃ આજે ધનતેરસના શુભ પર્વે લોકોએ ભાવ વધારાને ભૂલી જઈને સોના ચાંદીની ધૂમ ખરીદી કરી હતી.એક અંદાજ પ્રમાણે વડોદરામાં આજે ૧૦૦ કરોડ રુપિયાનુ સોનુ અને ચાંદી વેચાયા હતા.જેમાં ૯૦ કરોડના સોનાનો અને ૧૦ કરોડની ચાંદીનો સમાવેશ થતો હતો.
આજે વાઘબારસ અને ધનતેરસ એમ બે પર્વ એક સાથે ઉજવાયા હતા.બપોર પછી ધનતેરસ પર્વ હોવાના કારણે શુકનનુ સોનુ અને ચાંદી ખરીદવા માટે લોકોએ સોના ચાંદીની દુકાનો અને શો રુમો પર ધસારો કર્યો હતો.
આજે સોનાનો દસ ગ્રામનો ભાવ ૬૨૮૦૦ રુપિયા હતો .જોકે છેલ્લા એક મહિનાથી સોનાના ભાવ વધ્યા છે પણ ધનતેરસ નિમિત્તે લોકોએ ભાવ વધારા કરતા શુકનનુ સોનુ ખરીદવાની પરંપરાને વધારે મહત્વ આપ્યુ હતુ.
વેપારીઓના કહેવા પ્રમાણે આજે સોનાની લગડી ખરીદનારા લોકોનુ પ્રમાણ ૫૦ ટકા અને દાગીના ખરીદનારાઓનુ પ્રમાણ ૫૦ ટકા રહ્યુ હતુ .બપોર પછી ખરીદી શરુ થઈ હોવાથી મોટાભાગના શો રુમો અને દુકાનો રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહ્યા હતા.