લેન્ડ ગ્રેબિંગની અરજીની અદાવતે થયેલી મારામારીમાં 8 આરોપીને સજા
Vadodara News : લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આપેલી અરજીની અદાવત રાખી કરચિયા ગામે વૃદ્ધ પર થયેલા હુમલામાં સામેલ 8 આરોપીઓને કોર્ટે કસુરવાર ઠેરવીને છ મહિનાની કેદ કરી છે.
વણકરવાસમાં રહેતા ગિરધરભાઇ હરિભાઇ વણકરે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.15-03-2021 ના રોજ હું મારી બાઇક લઇને બહાર ગામથી ઘરે જવા માટે નીકળ્યો હતો. રોહિતવાસના રસ્તા વચ્ચે એક કાર ઉભી હતી. જેથી, હું ઉભો રહી ગયો હતો. કાર હટાવતા હું બાઇક સ્ટાર્ટ કરીને જવાની તૈયારી કરતો હતો. તે સમયે એક સગીરે મને પાછળથી માથાના ભાગે લાફો માર્યો હતો. તેના પિતાએ કહ્યું કે, હું તેને સમજાવું છું. તમે ઘરે જતા રહો. હું ઘરે જતો રહ્યો હતો. ત્યારબાદ મારા ઘરની સામે રહેતા વિજય પરસોત્તમભાઇ રોહિત તથા અન્ય લોકો ગાળો બોલતા હોવાથી મેં 100 નંબર પર કોલ કર્યો હતો. વિજય અને અન્ય લોકો પથ્થર લઇને મારા ઘરમાં ઘુસી ગયા હતા. મને છાતીમાં ઇંટનો ટુકડો મારતા હું પડી ગયો હતો. તમામે ભેગા થઇને મને માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
તમામ પાસાઓના મૂલ્યાંકન પછી મેજીસ્ટ્રેટ એ.એમ. મહેતાએ (1) વિજય પરસોત્તમભાઇ રોહિત (2) મંજુલાબેન વિજયભાઇ રોહિત (3) પારૂલબેન સુરેશભાઇ પરમાર (4) સુરેશ ભીખાભાઇ પરમાર (5) દિનેશ ધુળાભાઇ રોહિત (6) જીવીબેન પરસોત્તમભાઇ રોહિત (7) દિપીકા રમણભાઇ ગોહિલ તથા (8) રંજન ઉર્ફે રેવા રમણભાઇ રોહિત (તમામ રહે. રોહિતવાસ,કરચિયા ગામ, વડોદરા) ને છ મહિનાની કેદની સજા કરી છે. સરકાર તરફે વકીલ એમ.પી.રાઠોડે રજૂઆત કરી હતી.
ગુનેગારો જન્મથી જ ગુનેગાર હોતા નથી અદાલત
કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, શિક્ષાની જે વિવિધ વિચારસરણીઓ છે. તે પૈકી એક વિચારસરણી સુધારાત્મક છે. તેનો મુખ્ય હેતુ એ છે કે, ગુનેગારો જન્મથી જ ગુનેગાર હોતા નથી. પરંતુ, ખાસ સંજોગો એવા હોય છે કે, વ્યક્તિને ગુનો કરવા માટે પ્રેરિત કરે છે. પરંતુ, આરોપીઓએ જે પ્રકારે ફરિયાદીને વ્યથા પહોંચાડી છે. તે જોતા જો આરોપીઓને અજમાયીશીનો લાભ આપવામાં આવશે તો સમાજમાં દરેક વ્યક્તિ કાયદો હાથમાં લેશે.