મારી સાથે આવીશ તો ખુશ કરી દઇશ પાદરામાં જાહેરમાં પરિણીતાની છેડતી
બે જૂથ વચ્ચે મારામારીથી લોકો ભેગા થઇ ગયા ઃ બંને પક્ષોની સામસામે ફરિયાદ
વડોદરા, તા.6 પાદરામાં મસ્તાનપુરા ટેલિફોન એક્ષ્ચેન્જના ગેટ સામે એક યુવાન પરિણીતાની છેડતી મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર મારામારી થઇ હતી. આ અંગે પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.
પાદરામાં રહેતી ૨૧ વર્ષની પરિણીતાએ તુષાર લલિતભાઇ રાણા (રહે.કોઠી ફળિયાના નાકા પાસે, પાદરા) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું કેરટેકર તરીકે વડોદરાના વાઘોડિયારોડ વિસ્તારમાં કામ કરું છું. સવારે મારા પતિ મને સરદાર પટેલ શાક માર્કેટ પાસે બાઇક પર લઇ જઇને છોડી દે બાદમાં હું ચાલતા ગોવિંદપુરા જઉં અને ત્યાંથી રિક્ષામાં વડોદરા જઉં છું. છેલ્લા એક મહિનાથી તુષાર તેની બાઇક પર પીછો કરી મને હેરાન કરતો હતો. મારી પાછળ આવીને મારી બાઇક પર બેસી જા, તું મારી સાથે આવીશ તો તને ખુશ કરી દઇશ તેમ કહેતો હતો. આ વાત મેં મારા પતિને કરી હતી.
દરમિયાન તા.૫ના રોજ નિત્યક્રમ મુજબ સવારે હું ચાલતી જતી હતી ત્યારે મસ્તાનપુરામાં તુષારે મારો પીછો કરી છેડતી કરી હતી આ વખતે મારા પતિ પાછળથી આવ્યા હતા અને તુષારને ઠપકો આપતા તુષારે મને તેમજ મારા પતિને માર માર્યો હતો આ વખતે લોકો ભેગા થઇ જતાં આજે તો બંનેને જવા દઉં છું ફરીથી જો રસ્તા પર મળ્યો છે તો તને અને તારી પત્નીને જીવતા નહી રહેવા દઉં તેવી ધમકી આપી હતી.
સામા પક્ષે તુષાર રાણાએ ગણેશ રાજુ માળી, ચેતન ઉર્ફે ચકો રાજુભાઇ માળી અને કમો માળી સામે નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા હતાં કે હું સવારે ઘેરથી શાક લેવા માટે બાઇક પર નીકળ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થતી પરિણીતા અને મારી નજર એક થઇ ગઇ હતી આ વખતે ત્રણે જણાએ મારી પાસે આવીને મને ઢોર માર્યો હતો. મારી માતા વચ્ચે છોડાવવા પડતાં તેને પણ વાગ્યું હતું. લોકો ભેગા થઇ જતાં ત્રણે જણાએ ધમકી આપી હતી કે હવે પછી આંટાફેરા ના મારતો નહી તો મારી નાંખીશું.