સરદાર પટેલની પ્રતિમાના પગ પાસે જ PSIનું હાર્ટએટેકથી મોત
સુરત ગ્રામ્યના PSI બે દિવસથી ફરજ પર હતાં ઃ વર્ષ ૨૦૧૯માં એક PSIએ આત્મહત્યા પણ કરી હતી
રાજપીપળા તા.૩૧ સ્ટેચ્યૂ ઓફ યુનિટિ ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ દિવસની ઉજવણીની છેલ્લા કેટલાય દિવસથી તડામાર તૈયારીઓ ચાલતી હતી. નર્મદા જિલ્લા ઉપરાંત રાજ્યભરનું વહીવટીતંત્ર જોતરાયું હતું. નર્મદા સહિત રાજ્યભરમાંથી પોલીસ કાફલો કેવડિયા ખાતે ફરજ પર મૂકાયો હતો.
આજે ૩૧ ઓક્ટોબર એકતા દિવસની ઉજવણી માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ત્યાં વ્યસ્ત હતાં. વડાપ્રધાન સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી મુખ્ય કાર્યક્રમ સ્થળે પહોંચ્યા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના પગ પાસે જ બે દિવસથી ફરજ બજાવતા મૂળ નર્મદા જિલ્લાનાં વતની અને સુરત ગ્રામ્ય પોલીસના પીએસઆઈ સનાભાઈ ભગુભાઇ વસાવાને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો.
પીએસઆઇને તાત્કાલિક નવનિમત ટ્રોમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પોલીસ જવાનોમાં માતમ છવાયો હતો. ઉલ્લેખનીય છે કે તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ નર્મદા ડેમ ખાતે વધામણા માટે વડાપ્રધાન મોદી અહિ આવ્યા હતા તે સમયે સર્કિટ હાઉસ ખાતે નવસારીના એક પીએસઆઇએ ગોળી મારી આત્મહત્યા કરી હતી.