વડોદરા શહેરમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ વધ્યો : અકોટા બાદ ફતેગંજમાં સ્થાનિક રહીશોનો હોબાળો
Vadodara MGVCL News : સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં અકોટા સુભાનપુરામાંથી સ્માર્ટ વીજ મીટર બાબતે શરૂ થયેલો હોબાળો હવે ફતેગંજ વીજ નિગમ કચેરીએ પહોંચ્યો છે. જ્યાં ભાજપ કાર્યકરોએ આ બાબતે કમિટી બનાવવા અને સામૂહિક નિર્ણય ના આવે ત્યાં સુધી સ્માર્ટ મીટર નાખવા નહીં તેવી માંગ કરી છે. ફતેગંજ વીજ નિગમની કચેરીએ વીજ કનેક્શન કપાઈ જવા સહિત ત્રણ થી ચાર ગણું વીજ આવતું હોવાના આક્ષેપો કર્યા છે.
ઉલ્લેખનીય છે કે સુભાનપુરા વીજ નિગમ કચેરીએ ત્રણ દિવસ અગાઉ સ્થાનિક રહીશોનું વિશાળ ટોળું પહોંચ્યું હતું. આ વિસ્તારમાં જૂના મીટર કાઢીને નવા સ્માર્ટ વીજ મીટર લગાવી દેવાયા છે. આવા સ્માર્ટ મીટરના કારણે ત્રણથી ચાર ગણું બિલ વધી ગયાના આક્ષેપો સ્વામી વિવેકાનંદ હાઇટ્સ-1 ના રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા. આવા સ્માર્ટ વીજ મીટરમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પોતપોતાની આર્થિક સ્થિતિ મુજબ રિચાર્જ કરાવે છે. પરંતુ માઇનસમાં વીજબિલ જતું હોવાના કારણે આવા પરિવારોનું વીજ કનેક્શન કપાઈ જાય છે પરિણામે ત્રાહિમામ ગરમીમાં વીજ કનેક્શન વિના લોકો હેરાન પરેશાન થાય છે.
દરમિયાન આવા સ્માર્ટ વીજ મીટરના કારણે લાઈટ બિલ ત્રણથી ચાર ગણું વધી ગયું હોવાના આક્ષેપો સાથે ફતેગંજ વિસ્તારના રહીશોનું ટોળું સ્થાનિક વીજ નિગમની કચેરીએ પહોંચ્યું હતું. વીજબીલની રકમ અંગે ટોળાએ ભારે હંગામો મચાવ્યો હતો.
ઘટનાની જાણ થતા વિસ્તારના ભાજપના કાર્યકરો પણ ફતેગંજ વીજ નિગમની કચેરીએ પહોંચી ગયા હતા. જ્યાં એકત્ર ટોળાએ સ્માર્ટ વીજમીટર બાબતે ઉગ્ર રજૂઆતો કરી હતી. જેથી ભાજપના કાર્યકરોએ પણ શહેરભરના વિવિધ વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર બાબતે કમિટી બનાવીને પોતપોતાના વિસ્તારના લોકોના અભિપ્રાય આવી બનાવેલી કમિટીએ લેવા જોઈએ અને ત્યારબાદ ઉચ્ચ સ્તરે આ અંગે રજૂઆત કરીને વિરોધ નોંધાવવો જોઈએ તેવી દલીલ કરી હતી. આમ વીજ બીલના સ્માર્ટ મીટરના વિરોધ બાબતે ઉકાળતો ચરૂ આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ વકરે તો નવાઈ નહીં.