વડોદરામાં કિશનવાડીમાંથી કચરાનું ડમ્પિંગ યાર્ડ હટાવવાની માગણી સાથે દેખાવો કરતા અટકાયત
Garbage Dumping Yard Protest in Vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં કિશનવાડી ખાતેનું કચરાનું ડમ્પિંગ યાર્ડ હટાવવા માટે છેલ્લા ઘણા સમયથી રજૂઆત થઈ રહી છે, પરંતુ આ ડમ્પીંગ યાર્ડ હટાવાતું નથી. જેના કારણે અહીં સતત ગંદકી ફેલાયેલી રહે છે. આજરોજ ડમ્પિંગ યાર્ડ હટાવવાની કિશનવાડીને સ્વચ્છ કરવાની માગણી કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે રોકીને અટકાયતમાં લીધા હતા.
અગાઉ સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ અધ્યક્ષને પણ આ કચરાનું કેન્દ્ર હટાવવાની રજૂઆત કરવામાં આવી હતી. આશરે 1,00,000 ની કિશનવાડીની વસ્તી વચ્ચે જ આ કચરાનું કેન્દ્ર હોવાથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. વળી નજીકમાં શાકમાર્કેટ પણ છે, જ્યાં લોકો આ કચરા કેન્દ્ર હોવાને લીધે અને દુર્ગંધ ફેલાતી હોવાથી શાક લેવા પણ જતા નથી. કિશનવાડી ગધેડા માર્કેટ ખાતે શાક માર્કેટ રોડ પર ભરાતું હતું, અને ટ્રાફિકજામના પ્રશ્નો સર્જાતા હતા પરંતુ બાજુમાં જ કોર્પોરેશનના પ્લોટમાં પ્લોટ ડેવલપ કરીને શાક માર્કેટ બનાવી દેવામાં આવ્યું છે, પરંતુ આ કચરા કેન્દ્રના કારણે શાક માર્કેટ માં લોકો જતા નથી. આજે સવારે અહીં કચરા કેન્દ્ર ખાતે કાર્યકરો એકત્રિત થઈ કચરાની હોળી કરવાના હતા. હાથમાં બેનરો લઈને કાર્યકરોએ "દૂર કરો, દૂર કરો, કિશનવાડી માંથી ગંદકી દૂર કરો" તેવા તેમજ શાસક વિરોધી સૂત્રોચાર કર્યા હતા, અને કોર્પોરેશનની હાય હાય બોલાવી હતી. લોકોએ જણાવ્યું હતું કે કિશનવાડી વિસ્તારમાં આ ડમ્પિંગ યાર્ડ બનાવ્યા બાદ અહીં દિવસો સુધી કચરો પણ લેવામાં આવતો નથી. જેના કારણે કચરો કોહવાઈને ગંદકી અને દુર્ગંધ ફેલાવી રહ્યો છે.