સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકો ઘટાડવાના નિર્ણય સામે MSUની હેડ ઓફિસ બહાર દેખાવો
M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત ઓછી કરવાના નિર્ણયની સામે હવે વડોદરામાં વિરોધની શરુઆત થઈ ગઈ છે. આજે વિદ્યાર્થીઓના એક જૂથે હેડ ઓફિસ ખાતે નિર્ણયના વિરોધમાં દેખાવો કર્યા હતા.
યુનિવર્સિટી સત્તાધીશોએ જોકે વિદ્યાર્થીઓને હેડ ઓફિસના પ્રાંગણમાં પણ પ્રવેશવા દીધા નહોતા. યુનિવર્સિટીના ઈન્ચાર્જ પીઆરઓએ હેડ ઓફિસના કમ્પાઉન્ડની બહાર જ વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી હતી અને તેમને રવાના કરી દીધા હતા.
સત્તાધીશોનુ વલણ દર્શાવતુ હતુ કે, સ્થાનિક વિદ્યાર્થીઓ માટે રખાતી અનામત બેઠકો ઓછી કરવા સામેના વિરોધને ગણતરીમાં લેવામાં આવી રહ્યો નથી. બીજી તરફ વિદ્યાર્થીઓએ કહ્યુ હતુ કે, સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની બેઠકો ઘટાડવામાં આવશે તો સત્તાધીશોએ ઉગ્ર આંદોલનનો સામનો કરવા માટે તૈયાર રહેવુ પડશે. વડોદરા માટે બનાવાયેલી યુનિવર્સિટીમાં વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને જ પ્રાથમિકતા મળવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, સત્તાધીશોએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત 70 ટકાથી ઘટાડીને 50 ટકા કરવાનો નિર્ણય લઈ લીધો છે અને એવુ ચર્ચાય છે કે, સત્તાધીશોએ તેની સત્તાવાર જાહેરાત કરવાની જ બાકી રાખી છે. છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર વડોદરાના વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં છે પણ યુનિવર્સિટી સત્તાધીશો આ મુદ્દે હરફ ઉચ્ચારવા તૈયાર નથી. ઈન્ચાર્જ પીઆરઓ પ્રો.હિતેશ રાવિયાએ હાથ ખંખેરી નાંખીને કહ્યુ હતુ કે, મને આ બાબતની કોઈ જાણકારી નથી. વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી લીધી છે અને વાઈસ ચાન્સેલર સુધી તેને પહોંચાડવામાં આવશે.