જેટકો સામેનું આંદોલન ઉમેદવારોએ ૪૮ કલાક માટે મોકૂફ રાખ્યું
વડોદરાઃ ગુજરાત સરકારની વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા રદ કરવાના નિર્ણયના પગલે ઉમેદવારોએ આંદોલન શરુ કર્યુ હતુ.જેના પગલે કેટલાક ઉમેદવારોને સાથે રાખીને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને ચર્ચા વિચારણા માટે જેટકોના મેનેજિંગ ડિરેકટરે બોલાવ્યા હતા.
આ બેઠક પૂર્ણ થયા બાદ યુવરાજસિંહે કહ્યુ હતુ કે, જેટકોના એમડી અને અધિકારીઓ ફરી પરીક્ષા લેવાના નિર્ણય પર વળગી રહ્યા છે.જેની સામે અમે એક વિકલ્પ રજૂ કર્યો હતો.ઉમેદવારો ફરી પોલ ટેસ્ટ આપવા તૈયાર છે પણ લેખિત પરીક્ષા તો કોઈ પણ સંજોગોમાં ફરી નહીં આપે.આ વિકલ્પ કાયદાકીય રીતે શક્ય છે કે નહીં તેની વિચારણા કરવાની એમડી દ્વારા ખાતરી આપવામાં આવી છે.આ માટે જેટકોના અધિકારીઓએ અમારી પાસે ૪૮ કલાકનો સમય માંગ્યો છે.એ પછી તેઓ પોતાનો નિર્ણય જાહેર કરશે.
યુવરાજસિંહે કહ્યુ હતુ કે, હાલના તબક્કે આંદોલન ચાલુ જ છે.આંદોલન કેવી રીતે આગળ ચાલુ રાખવુ તેનો નિર્ણય પણ વિદ્યાર્થીઓ સાથે વિચારણા કરીને લેવામાં આવશે.કાયદાકીય વિકલ્પ પર પણ વિચારણા કરવામાં આવશે.સાથે સાથે વડોદરામાં આજે મુખ્યમંત્રી આવવાના છે તો કેટલાક ઉમેદવારો તેમની સમક્ષ પણ રજૂઆત કરશે.ગૃહ મંત્રી અને ઉર્જા મંત્રી સમક્ષ પણ ઉમેદવારો આવતીકાલે રજૂઆત કરવાના છે.
દરમિયાન ધરણા પર બેઠેલા બીજા ઉમેદવારો સાથે ચર્ચા વિચારણા બાદ બપોરે ત્રણ વાગ્યા બાદ ૪૮ કલાક સુધી આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.સાથે સાથે નક્કી થયુ હતુ કે, જો ૪૮ કલાકમાં કોઈ નિર્ણય નહીં આવે તો ફરી જેટકોની ઓફિસ બહાર ધરણા કરવામાં આવશે અને જરુર પડે તો ભૂખ હડતાળનુ શસ્ત્ર પણ ઉગામવામાં આવશે.