વડોદરામાં તાંદળજા વુડાના મકાનોમાં પ્રાથમિક સુવિધા નહીં મળતા સ્થાનિક રહીશોનો મોરચો : દેખાવો
વડોદરા,તા.09 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
વડોદરા શહેરના તાંદળજા વિસ્તારમાં આવેલા વુંડાની વસાહતમાં છેલ્લા 15 દિવસથી પ્રાથમિક સુવિધા ના મુદ્દે અને ડ્રેનેજનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવતા સ્થાનિક રહીશો આજે મોરચો કાઢીને વોર્ડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા પરંતુ બે કલાક દરમિયાન કોઈ અધિકારી નહીં મળતા આખરે દેખાવો સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.
વડોદરા શહેરને ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનાવવા ના અભિયાન દરમિયાન ઝુપડપટ્ટી તોડીને તે જ સ્થળ પર ગરબોની આવાસ યોજના બનાવવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ જ્યારે આ મકાનો બાંધવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન જરૂરી પ્રાથમિક સુવિધા ની કામગીરી યોગ્ય રીતે નહીં થવાને કારણે હવે વર્ષો પછી સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે પ્રાથમિક સુવિધા નહીં મળતા આ વસાહતોમાં ફરી પાછી ઝૂંપડપટ્ટી જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે.
તાંદળજા વિસ્તારમાં આવેલી વુડાની વસાહત માં અંદાજે 700 જેટલા પરિવારો રહે છે તેઓને જ્યારે મકાનની ફાળવણી કરવામાં આવી હતી તે સમયે પૂરતી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે તેવી મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ હવે પાછળથી ગણતરીના વર્ષોમાં જ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને અપૂરતી સુવિધા ને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
છેલ્લા 15 દિવસથી આ વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાનો તેમજ પાણી અને સફાઈ ના મુદ્દે આજે સ્થાનિક રહીશો વોર્ડ નંબર 10 ની કચેરી ખાતે પહોંચ્યા હતા પરંતુ ત્યાં કોઈ રજૂઆત સાંભળનારા જ અધિકારી કે કર્મચારી હાજર ન હતા જેથી લોકોમાં રોષ વ્યાપ્યો હતો જેથી લીલા મોઢે સ્થાનિક રહીશો પરત આવી સ્થળ પર કોર્પોરેશન વિરુદ્ધ દેખાવો સૂત્રોચ્ચાર કર્યા હતા.