કોમર્સમાં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે તેવી ખાતરી બાદ આંદોલન બંધ કરવાનો નિર્ણય
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટે આંદોલન કરનાર ફાઈટ ફોર એમએસયુ ગુ્રપે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મળશે તેવી ખાતરી મળી હોવાના કારણે આંદોલન હાલ પૂરતુ બંધ કરવાની જાહેરાત કરી છે.
ફાઈટ ફોર એમએસયુ ગુ્રપ વતી પૂર્વ સિન્ડિકેટ સભ્યોનુ કહેવુ હતુ કે, સરકાર-સાંસદ અને ધારાસભ્યોએ ખાતરી આપી છે કે, વડોદરાનો કોઈ વિદ્યાર્થી પ્રવેશથી બાકાત નહીં રહે અને એક સપ્તાહમાં વડોદરાના તમામ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરીને લિસ્ટ જાહેર કરાશે.
જોકે આંદોલન પર બ્રેક મારવા સામે આ ગુ્રપના બીજા સભ્યોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.કેટલાક સભ્યોનુ કહેવુ હતુ કે, સાસંદ કે સરકાર કે ધારાસભ્યો નહીં પણ આવી ખાતરી વાઈસ ચાન્સેલર તરફથી મળવી જોઈએ.વાઈસ ચાન્સેલરે તો હજી માત્ર ૧૪૦૦ બેઠકો જ વધારવાની વાત કરી છે.ઉપરાંત કોમર્સની જેમ બીજી ફેકલ્ટીઓમાં પણ વડોદરાના વિદ્યાર્થીઓ માટે બેઠકો અનામત નથી.તેના માટે પણ લડત આપવી જરુરી છે.વડોદરાના વિદ્યાર્થીઓની સમસ્યા માટે કોમન એકટ જવાબદાર છે અને આ સમસ્યાના મૂળને હટાવવાની જરુર છે.
અન્ય કેટલાક સભ્યોએ કહ્યુ હતુ કે, આંદોલન ચાલુ રાખવુ જોઈએ અને આગળની રણનીતિ નક્કી કરવા માટે તમામ સભ્યોની એક બેઠક બોલાવીને ચર્ચા કરવામાં આવે.