ઉનાળાની ગરમીમાં પણ ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં એક જ કલાક પાણી આવે છે

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
ઉનાળાની ગરમીમાં પણ ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં એક જ કલાક પાણી આવે છે 1 - image

વડોદરાઃ વડોદરા ખાતેની ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં હલકી ગુણવત્તાવાળા ભોજન અને અન્ય પ્રશ્નોને લઈને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને આજે આ વિદ્યાર્થિનીઓે દેખાવો કરીને ઈન્ચાર્જ વોર્ડનને આવેદનપત્ર આપ્યુ હતુ.

વિદ્યાર્થિનીઓનુ કહેવુ હતુ કે, ભૂતકાળમાં પણ ભોજનમાં ઈયળો નીકળવાની ફરિયાદો ઉઠી હતી.ભોજનની ગુણવત્તા હજી પણ સુધરી નથી અને પીવાના પાણીના પણ ધાંધિયા છે.ઉનાળાની ગરમીમાં પણ હોસ્ટેલમાં માત્ર એક જ કલાક પાણી આવે છે.પીવાના પાણીની પણ સમસ્યા છે.હોસ્ટેલના એક જ ફ્લોર પર પીવાનુ પાણી આવે છે અને તેના કારણે અન્ય ફ્લોર પર રહેતી વિદ્યાર્થિનીઓને પાણી ભરવા માટે પહેલા ફ્લોર પર આવવુ પડે છે.આ બાબતે પણ અગાઉ અમે ધ્યાન દોરી ચુકયા છે.

વિદ્યાર્થિનીઓનુ કહેવુ હતુ કે, નિયમ પ્રમાણે હોસ્ટેલની સિક્યુરિટી માટે ૩૧ જવાનોનો સ્ટાફ રાખવાનો હોય છે.જ્યારે ગર્લ્સ હોસ્ટેલ ખાતે અત્યારે પણ ગણીને માંડ ૨ થી ૩ કર્મચારીઓ જોવા મળે છે.કિચન સ્ટાફ પણ પુરુષોનો જ છે.તેમને જ્યારે ભોજન અંગે ફરિયાદ કરવા જઈએ ત્યારે તેઓ ફરિયાદને સાંભળવાની જગ્યાએ મજાક મસ્તી જ કરતા હોય છે.ઘણી વખત તેઓ ફરિયાદ સાંભળવાની જગ્યાએ રસોડાની લાઈટ બંધ કરી દે છે. વિદ્યાર્થિનીઓની સમસ્યાઓનો લાંબા સમયથી કોઈ ઉકેલ આવતો નહીં હોવાના કારણે આખરે વિરોધ કરવાની પરજ પડી છે.વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે, વડોદરામાં બોયઝ સમરસ હોસ્ટેલમાં સારી રીતે સુવિધાઓ આપવામાં આવી રહી છે અને ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં સુવિધાઓના નામે  મીંડુ છે.વિદ્યાર્થિનીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.અમારે નાછૂટકે આંદોલનનો સહારો લેવો પડયો છે.


Google NewsGoogle News