કોમર્સ ફેકલ્ટીમાં વડોદરા શહેર જિલ્લાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકો ઘટાડવાની હિલચાલનો વિરોધ

શિક્ષણનું વ્યાપારીકરણ, વિદ્યાર્થીઓને સજા ખાનગી કોલેજોને મજા : હું વડોદરાનો વિદ્યાર્થી છું અને મારે એમ.એસ.યુનિવર્સિટીમાં ભણવું છે

Updated: May 20th, 2024


Google NewsGoogle News
કોમર્સ ફેકલ્ટીમાં વડોદરા શહેર જિલ્લાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકો ઘટાડવાની હિલચાલનો વિરોધ 1 - image


વડોદરા : આ વખતે ધો.૧૨ કોમર્સનું પરિણામ ઊંચુ આવ્યુ છે એટલે બી.કોમ. અભ્યાસક્રમમાં પણ વિદ્યાર્થીઓને ધસારો થશે. આવા સમયે કોમર્સમાં બેઠક વધારવાના બદલે જે બેઠકો ઉપલબ્ધ છે તેમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત સીટો પણ ઘટાડવાની હિલચાલ યુનિવર્સિટી કરી રહી છે જેનો ભારે વિરોધ થઇ રહ્યો છે. આ અનુસંધાને આજે કેમ્પસમાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા છે.

વડોદરા શહેર અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અન્ય સ્થળોએ જવુ ના પડે એટલે સન ૧૮૮૧માં એમ.એસ.યુનિવર્સિટી (બરોડા કોલેજ તરીકે તે સમયે ઓળખાતી હતી)ની સ્થાપના કરવામાં આવી. તે સમયથી જ કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ૭૦ ટકા બેઠકો અનામત રાખવામા આવી છે. પરંતુ પાછલા કેટલાક વર્ષથી સત્તાધીશો એમ.એસ.યુનિવર્સિટીને ખાનગી સંસ્થા સમજીને મનફાવે તેવા નિર્ણયો લઇ રહ્યા છે તેમાનો એક નિર્ણય કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની બેઠકો ૭૦ ટકાથી ઘટાડીને ૫૦ ટકા કરવાનો છે.

ગત વર્ષે પણ આ હિલચાલ કરવામાં આવી હતી જેનો વિરોધ થતાં કાર્યવાહી મોકુફ રહી હતી. હવે ફરીથી આ વર્ષે આ વિવાદ સપાટી પર આવ્યો છે જેનો વિરોધ આમ તો વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વડોદરાના હીતમાં કરવો જોઇએ પરંતુ કોઇનામાં બોલવાની હિમ્મત નહી હોવાથી હવે વિદ્યાર્થીઓ જાતે જ વિરોધ કરી રહ્યા છે જેના ભાગ રૃપે કેમ્પસમાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા છે જેમા સ્લોગન લખેલા છે કે 'શિક્ષણનં વ્યાપારિકરણ ઃ વિદ્યાર્થીઓને સજા, ખાનગી કોલેજોને મજા' અને હું વડોદરાનો વિદ્યાર્થી છું અને મારે એમ.એસ.યુનિવર્સિટીમાં ભણવું છે' 

જો કે યુનિવર્સિટી સત્તાધીશોનું કહેવું છે કે કોમર્સમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત બેઠક ઘટાડવા માટે હાલમાં કોઇ નિર્ણય લેવાયો નથી. જ્યારે પણ નિર્ણય લેવાશે ત્યારે જાહેર કરવામાં આવશે.


Google NewsGoogle News