સ્માર્ટ મીટરોનો વિરોધ : જીવો અને જીવવા દો...ના સૂત્રોચ્ચાર સાથે લોકોએ કાઢી બાઈક રેલી
Smart Meter Controversy Vadodara : સરકાર અને વીજ કંપનીઓ અગાઉથી લાગી ગયેલા સ્માર્ટ મીટરો કાઢવા નથી માંગતી અને લોકો કોઈ પણ સંજોગોમાં સ્માર્ટ મીટર કાઢીને જૂના મીટરો લગાવવામાં આવે તેવી માંગ કરીને આકરી ગરમીમાં પણ વિરોધ કરી રહ્યા છે. સ્માર્ટ મીટર સામે આજે વડોદરાના બિલ-અટલાદરા વિસ્તારની પ્રધાન મંત્રી આવાસ યોજનાના લોકોએ બાઈક રેલી કાઢી હતી અને પાદરા ખાતેની વીજ કંપનીની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
આ પહેલા લોકોએ કહ્યું હતું કે, વીજ કંપની અને સરકાર મધ્યમવર્ગ અને ગરીબ લોકો પાછળ પડી ગઈ છે. અમે તો રોજનુ ખાઈને રોજ ખાનારા લોકો છે. 1000 રૂપિયાનુ રિચાર્જ કરીએ તો ગણતરીના દિવસોમાં 300 થી 400 રૂપિયા જ બેલેન્સ રહે છે. જો વીજ કંપની સ્માર્ટ મીટરો કાઢી નહીં જાય તો અમે આ મીટરો તોડી નાંખીશું અને ડાયરેકટ લાઈનમાંથી કનેક્શન લઈ લઈશું.
એક રહેવાસીએ કહ્યું હતું કે, બધુ સીધુ ચાલી રહ્યું હતું. લોકો બિલ ભરતા હતા અને વીજ કંપની વીજળી આપતી હતી તો અચાનક શું તકલીફ પડી ગઈ કે રાતોરાત સ્માર્ટ મીટરો લગાવવા પડયા. જૂના મીટરો સારા જ હતા અને અમારે સ્માર્ટ મીટરો નથી જોઈતા. તમારે સ્માર્ટ સિટી બનાવવુ હોય તો વાંધો નહીં પણ સ્માર્ટ મીટરો તો નહીં જ ચાલે.
બીજી તરફ મુજમહૂડા ગામના લોકોનો મોરચો પણ સ્માર્ટ મીટરના વિરોધમાં પોસ્ટરો સાથે અકોટાની વીજ કચેરીની ઓફિસે પહોંચ્યો હતો. લોકોએ કહ્યું હતું કે, વીજ કંપનીને મીટરો લગાવવા માટેસ્માર્ટ સોસાયટીઓના દેખાઈ, મોટાભાગના મીટરો સ્લમ વિસ્તારમાં લગાવાયા છે..આ મીટરો અમને નથી જોઈતા..આ મીટરો નહીં લઈ જાય તો અમે હવે પછી ચૂંટણીમાં વોટિંગ જ નથી કરવાના, ગામ આખું મતદાન નહીં કરે.
લોકોએ કહ્યુ હતુ કે, અમારી પાસે ખાવાના પણ પૈસા નથી. જો સ્માર્ટ મીટરના વિરોધમાં અકળાયેલા લોકો આગામી દિવસોમાં તોડફોડ પર ઉતરી આવે તો અમને ના કહેતા. સ્માર્ટ મીટરો લાગ્યા બાદ બિલ તો વધારે આવે જ છે પણ ગમે ત્યારે લાઈટો બંધ થઈ જાય છે. લોકોએ વીજ કચેરી ખાતે પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા હતા. જેમાં જીવો અને જીવવા દો... લૂંટ ફાટ બંધ કરો ..જેવા સૂત્રો લખેલા હતા.