જમ્મુ- કાશ્મીર, આસામ અને તામિલનાડુમાં પણ સ્માર્ટ મીટર સામે વિરોધ થયો હતો
વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લગાવવામાં આવી રહેલા સ્માર્ટ મીટર સામે વડોદરામાં વિરોધની આગ વધારેને વધારે ભડકી રહી છે.ચોંકાવનારી વાત એ છે કે, ભારતમાં અન્ય સ્થળોએ પણ સ્માર્ટ મીટરો લગાવવા સામે લોકોએ વિરોધ કર્યો હતો પણ મધ્ય ગુજરાત વીજ કંપનીના સત્તાધીશોએ આ વિરોધને ધ્યાનમાં લીધા વગર અને લોકોને વિશ્વાસમાં લીધા વગર જ પાયલોટ પ્રોજેકટ શરુ કરી દીધો હતો અને તેના કારણે હવે વડોદરાના લોકો પણ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરી રહ્યા છે.
મળતી વિગતો પ્રમાણે ૨૦૨૩માં જમ્મુ અને કાશ્મીરમાં સ્માર્ટ મીટર લગાવવાનુ શરુ કરાયુ ત્યારે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.જમ્મુ અને શ્રીનગરમાં લોકોએ સ્માર્ટ વીજ મીટરમાં બિલ વધારે આવતુ હોવાનો આક્ષેપ કર્યો હતો અને કેટલાય દિવસો સુધી આ વિરોધ ચાલ્યો હતો.જમ્મૂમાં તો ખુદ ભાજપના નેતાઓ પણ સ્માર્ટ મીટરના વિરોધમાં ઉતર્યા હતા.એ પછી પણ મીટરો લગાવવાનુ ચાલુ રખાયુ છે.
આ જ પ્રકારનો વિરોધ ૨૦૨૩ના ઓગસ્ટ મહિનામાં આસામના કાચાર જિલ્લામાં થયો હતો અને લોકોએ સ્માર્ટ મીટર લગાવવાની યોજનાનો વિરોધ કર્યો હતો.તામિલનાડુમાં ડિસેમ્બર-૨૦૨૩માં સીપીઆઈ(એમ) દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાના નામે વીજ ક્ષેત્રનુ ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ હોવાના આક્ષેપ સાથે સ્માર્ટ ઈલેક્ટ્રિસિટી મીટરોની સામે અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ.
હવે વડોદરાના લોકો પણ સ્માર્ટ મીટરોના વિરોધમાં જોડાયા છે.ગુજરાતમાં બીજા કોઈ શહેરમાં ના થયો હોય તે હદે વડોદરાના લોકો સ્માર્ટ મીટરોનો વિરોધ કરી રહ્યા છે.મધ્ય ગુજરાત વીજ કંપનીએ લોકોના માથે સ્માર્ટ મીટરો ઠોકી બેસાડવાની કરેલી હરકતથી હવે ભાજપ સરકારને જવાબ આપવાનો ભારે પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.