જૂનુ વીજ મીટર પાછુ આપો, જેતલપુર વિસ્તારના લોકોના કલેકટર કચેરી ખાતે દેખાવો
વડોદરાઃ વડોદરામાં આજે સતત ચોથા દિવસે સ્માર્ટ વીજ મીટર સામે લોકોનો વિરોધ ચાલુ રહ્યો હતો.આજે જેતલપુર વિસ્તારના સેંકડો લોકોનો મોરચો કલેકટર કચેરી ખાતે પહોંચ્યો હતો અને લોકોએ સ્માર્ટ મીટરો હટાવીને જૂના મીટરો પાછા નાંખવામાં આવે તેવી માંગ સાથે દેખાવો કર્યા હતા.આ પહેલા ગોરવા, ફતેગંજ, અકોટા અને માંજલપુરના લોકોએ પણ સ્માર્ટ મીટરો સામે રોષ વ્યક્ત કરેલો છે.
જેતલપુર ગામ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ કહ્યુ હતુ કે, અમારા ઘરોમાં સ્માર્ટ મીટરો નાંખવામાં આવ્યા છે પણ અમારામાંથી ઘણા લોકો સ્માર્ટ ફોન વાપરતા નથી.અમને અમારુ જૂનુ મીટર પાછુ આપો છે.મહેનત અને મજૂરી કરીને પૈસા કમાઈએ છે અને બધા પૈસા રિચાર્જમાં આપી દેવાના? અમારા જૂના મીટરો પાછા આપી દો.સ્માર્ટ ફોન બધા પાસે નથી હોતા.લોકોએ કહ્યુ હતુ કે, વડોદરા સ્માર્ટ બને તેનો વાંધો નથી પણ તેના માટે લોકોની હેરાનગતિ કરવામાં આવે તે યોગ્ય નથી.લોકો બિલ ભરશે કે ખાશે?