નીટના પેપર લીકના વિરોધમાં એનટીએના પૂતળાના મગજના ઓપરેશનનો પ્રયાસ, એબીવીપીના 6કાર્યકરોની અટકાયત
વડોદરાઃ એનએસયુઆઈ બાદ હવે ભાજપની જ વિદ્યાર્થી પાંખ એબીવીપીના કાર્યકરોએ ધો.૧૨ પછી મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ પરીક્ષાના પેપર લીક અને કૌભાંડો સામે આજે વડોદરાના રસ્તાઓ પર પ્રદર્શન કરીને પોતાની જ સરકાર સામે મોરચો માંડયો હતો.
સામાન્ય રીતે ભાજપની વિદ્યાર્થી પાંખ પોતાની સરકારની સામે પડતી નથી અને તે સંજોગોમાં મોટી સંખ્યામાં એબીવીપી કાર્યકરો નીટ પરીક્ષાનો વિરોધ કરવા માટે મેદાનમાં આવ્યા હતા.એબીવીપીના કાર્યકરોએ નીટની પરીક્ષા લેનાર શિક્ષણ વિભાગ દ્વારા બનાવાયેલી નેશનલ ટેસ્ટિંગ એજન્સીના પૂતળાના મગજનુ ઓપરેશન કરવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી જ નીટની પરીક્ષા લે છે.
કાર્યકરો એમ.એસ.યુનિવર્સિટીના મુખ્ય દરવાજાથી પૂતળા સાથે ચાલતા ચાલતા કાલાઘોડા સર્કલ સુધી ગયા હતા.જોકે વિદ્યાર્થીઓ મગજનુ ઓપરેશન કરે તે પહેલા જ પોલીસની એન્ટ્રી પડી હતી અને પોલીસે પૂતળુ છીનવી લીધુ હતુ.સાથે સાથે એબીવીપીના ૬ કાર્યકરોની અટકાયત કરી હતી.એબીવીપીના દેખાવોના કારણે આકરા તાપમાં ટ્રાફિક જામ થયો હતો અને સેંકડો વાહન ચાલકો અટવાઈ ગયા હતા.
એબીવીપીના કાર્યકરોનુ કહેવુ હતુ કે, નીટ પરીક્ષામાં થયેલા કૌભાંડોના કારણે દેશના લાખો વિદ્યાર્થીઓને અન્યાય થયો છે.આ સંજોગોમાં એબીવીપી ચૂપ બેસી શકે નહી.નીટની પરીક્ષા ફરી લેવામાં આવે અને પેપર લીક માટે તેમજ કૌભાંડો માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે.