Get The App

વડોદરામાં નેતાઓ સામે વિરોધ વંટોળ યથાવત : સાંઈદીપ નગરના રહીશોએ બહિષ્કારના બેનર માર્યા

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
વડોદરામાં નેતાઓ સામે વિરોધ વંટોળ યથાવત : સાંઈદીપ નગરના રહીશોએ બહિષ્કારના બેનર માર્યા 1 - image


Vadodara Political Ban Banner : પૂરમાં લોકોની મિલકતોને પારાવાર નુકસાન થતાં થયું છે તે અંગે સંપૂર્ણ માહિતગાર હોવા છતાં અસંખ્ય કાઉન્સિલરો પોતાના વિસ્તારમાં જતા નથી એવી વ્યાપક ફરિયાદ દૈનિક ધોરણે ઉઠી રહી છે. ત્યારે અનેક કોર્પોરેટરોએ અસંખ્ય સોસાયટી જે પુરથી પ્રભાવિત હતી તેની મુલાકાત લઈ ત્યાંના નાગરિકોને સાંત્વના આપવાની દરકાર પણ કરી નથી તેવી લાગણી સાથે નાગરિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ન્યુ વીઆઇપી રોડ પર આવેલી સાંઈદીપ નગરના રહીશોએ તેમના દરવાજા પર કેટલીક માંગણીઓ સાથે નેતાઓ માટે પ્રવેશ બંધી જાહેર કરતા બેનરો લગાડતા ફરી એકવાર વિવાદ સર્જાયો છે.

વડોદરામાં પૂરના પાણી ઉતરે હવે અનેક કલાકો થઈ ગયા છે અને સફાઈ અભિયાન માત્ર એડમિનિસ્ટ્રેશન (વહીવટી) કક્ષાએ ચાલી રહ્યું હોવાનું ફલિત થઈ રહ્યું છે. કારણ કે જ્યાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે ત્યાં મોટાભાગની જગ્યાએ નાગરિકોએ જેને કોર્પોરેટર બનાવેલા છે તેઓ જોવા મળતા નથી. કારણ કે અનેક જગ્યાએ તેમનો ભારે વિરોધ થઈ રહ્યો છે. કેટલાક કોર્પોરેટરો હજી સુધી અસરગ્રસ્ત અસંખ્ય સોસાયટીની મુલાકાતે પણ પહોંચ્યા નથી. જેથી નાગરિકો જણાવી રહ્યા છે કે, અમને પૈસાની જરૂર નથી પરંતુ કોર્પોરેટરો અમારા ખબર કે હાલ પૂછવાની ફરજ પણ ચૂક્યા છે. કોર્પોરેટરની એક એવી પદવી હોય છે જેમણે સીધે સીધો નાગરિકો સાથે સંપર્ક રાખવાનો હોય છે. ઘણા લોકો કહી રહ્યા છે કે, અમને સરકાર કે કોર્પોરેશન પાસે પૈસાની આશા નથી પરંતુ તેઓએ અમારા વિસ્તારમાં અમારી સોસાયટીમાં આવીને પરિસ્થિતિનો ત્યાગ મેળવવાની દરકાર પણ કરી નથી. ત્યારે આવા કોર્પોરેટરો શું કામના કે અમારે દરેક વખતે કામ કરાવવા અધિકારીઓ પાસે જવું પડે. તો બીજી તરફ સ્લમ વિસ્તારના અનેક લોકો પણ કહી રહ્યા છે કે, અમારે ત્યાં હજુ સુધી વિસ્તારના તમામ કોર્પોરેટર ફરકતા નથી, તો ધારાસભ્ય કે સાંસદની વાત શું કરવી? આ પરિસ્થિતિ બતાવે છે કે, જન પ્રતિનિધિ સંપર્ક વિહોણા થતા પૂરની પરિસ્થિતિમાં વિરોધરૂપે લોકોનો ગુસ્સો પરપોટારૂપે ભાજપના કાર્યકરો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સામે ફાટ્યો છે.


Google NewsGoogle News