વડોદરામાં સરકારી આવાસમાંં પ્રી-પેઇડ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો વિરોધ
સામી દિવાળીએ 'સ્માર્ટ મીટર'ની હોળી : સમતા વિસ્તારની સ્વામી વિવેકાનંદ હાઇટ-3 સોસાયટીની રહિશોનો મોરચો વીજ કચેરીએ પહોંચ્યો
વડોદરા : અગાઉ ભારે વિરોધ બાદ એમજીવીસીએલ દ્વારા મોકૂફ રખાયેલી 'પ્રી-પેઇડ સ્માર્ટ મીટર' લગાવાની કામગીરી ફરી શરૃ કરાતા હોબાળો મચી ગયો છે. શહેરના સમતા વિસ્તારમાં નવા બનેલા સરકારી આવાસ યોજનાની સોસાયટી 'સ્વામી વિવેકાનંદ હાઇટ્સ-૩'માં આજે વીજ કંપનીની ટીમ સ્માર્ટ મીટર લગાવા પહોંચી હતી જેનો વિરોધ કરીને રહિશોનો મોરચો સુભાનપુરામાં વીજ કંપનીની ઓફિસ ઉપર પહોંચ્યો હતો અને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો.
સ્વામી વિવેકાનંદ હાઇટ્સના રહિશોનું કહેવું છે કે સોસાયટીમાં કુલ ૧૫૬૦ મકાનો છે જેમાંથી ૧૩૬૧ મકાનોમાં વીજ મીટરો લાગી ગયા છે. તે તમામ મીટરો જુના એટલે કે ડીજિટલ મીટરો છે. બાકી રહેલા ૧૯૯ મકાનોમાં મીટરો લગાવાના બાકી હતા. તે લગાવવા માટે આજે વીજ કંપનીના માણસો આવ્યા હતા અને ડીજિટલના બદલે પ્રી પેઇડ સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી શરૃ કરી હતી જે જોઇને અમે ચોંકી ગયા હતા. એક જ સોસાયટીમાં અન્ય મકાનોમાં જુના ડીજિટલ મીટર અને માત્ર ૧૯૯ માટે સ્માર્ટ મીટર કેમ ? તે પ્રશ્નનો જવાબ તેઓએ આપ્યો નહતો.
સરકાર ગરીબોને જ કેમ હેરાન કરે છે, સ્માર્ટ લોકોના ઘરમાં પહેલા સ્માર્ટ મીટર લગાવો
જો કે આ મામલે વીજ કંપનીના અધિકારીઓનું કહેવું છે કે સરકારના હૂકમ પ્રમાણે જેટલા પણ નવા મીટરો લાગશે તે તમામ સ્માર્ટ મીટર જ લાગશે. સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં નવા મીટરો લગાવવાના છે અને અમારી પાસે સ્માર્ટ મીટરો જ આવ્યા છે.