જીકાસ પોર્ટલ સામે વિરોધ, એબીવીપીનો એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે દેખાવો, ઘર્ષણમાં બે કાર્યકરો ઈજાગ્રસ્ત
M S University Vadodara : ધો.12 પછી વિવિધ કોર્સમાં પ્રવેશ માટે શરુ કરાયેલા જીકાસ(ગુજરાત કોમન એડમિશન પોર્ટલ)માં સંખ્યાબંધ ખામીઓના કારણે હજારો વિદ્યાર્થીઓ હેરાન થયા છે.
જીકાસ પોર્ટલના વિરોધમાં આજે ભાજપની જ વિદ્યાર્થી પાંખ એબીવીપીએ પોતાની જ સરકાર સામે રાજ્યવ્યાપી દેખાવો કર્યા હતા. વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એબીવીપીના કાર્યકરોએ કલાકો સુધી હંગામો મચાવ્યો હતો. કાર્યકરો ફતેગંજથી રેલી કાઢીને યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા.
જ્યાં તેઓ જીકાસ પોર્ટલમાં ખામીના કારણે વિદ્યાર્થીઓ કયા પ્રકારની હેરાનગતિ ભોગવી રહ્યા છે તેની રજૂઆત વાઈસ ચાન્સેલરને કરવા માંગતા હતા. જોકે વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ રાબેતા મુજબ વિદ્યાર્થીઓને મળ્યા નહોતા અને તેના કારણે એબીવીપીના કાર્યકરોનો રોષ વધારે ભડકયો હતો.
ઉગ્ર દેખાવોના પગલે યુનિવર્સિટીની સિક્યુરિટી અને પોલીસ સાથે એબીવીપીનુ ઘર્ષણ પણ થયુ હતુ અને તેમાં એબીવીપીના બે કાર્યકરો પૈકી એક બેભાન થયો હતો અને એક ઘાયલ થયો હતો. તેમને સારવાર માટે 108 બોલાવીને હોસ્પિટલ લઈ જવાયા હતા.
એબીવીપીએ જીકાસની નનામીનું દહન કરવાનો પ્રયાસ કર્યો હતો પણ પોલીસે આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. દેખાવોને કાબૂમાં લેવા માટે પોલીસે એબીવીપીના સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત કરી હતી.