મિલકત વેરાના લાખથી વધુના બાકીદારોને નોટિસ ફટકારવામાં આવશે
મહાનગરપાલિકાની વેરા વસુલાત ઝુંબેશ વધુ કડક બનશે
બીજી નોટિસ બાદ પણ વેરો નહીં ભરવામાં આવે તો મિલકત સીલીંગ સુધીના પગલાં ભરવામાં આવશે
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની કડક વસુલાત માટે કામગીરી શરૃ કરવામાં આવી છે ત્યારે એક નોટિસ આપવા છતાં મિલકત વેરો નહીં ભરનાર માલિકોની યાદી તૈયાર કરીને આગામી દિવસમાં નોટિસ ફટકારવામાં આવશે. બીજી નોટિસ બાદ પણ વેરો નહીં ભરનાર મિલકત સીલ કરવા સુધીના પગલાં પણ ભરવામાં આવશે.
પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાનું વિસ્તરણ થઈ ગયા બાદ ૧.૭૮
લાખ સુધી રહેણાંક અને કોમશયલ મિલકતો પહોંચી ચૂકી છે. કોર્પોરેશન દ્વારા આ મિલકત
ધારકોને વેરો ભરી જવા માટે બિલો મોકલી આપવામાં આવ્યા હતા. જોકે અત્યાર સુધીમાં
ટાર્ગેટ કરતા પણ વધુ વેરો વસુલી લેવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બાકી એવી
૧૪૭ કરોડ રૃપિયાની વસુલાત માટે કોર્પોરેશન દ્વારા કડક ઝુંબેશ શરૃ કરવામાં આવી છે.
જેના ભાગરૃપે અગાઉ બાકીદારો એવા ૨૮૬૦ને યાદી તૈયાર કરીને નોટિસ ફટકારવામાં આવી
હતી. જેના પગલે ઘણા બધા મિલકતધારકો વેરો ભરવા માટે આવી ગયા હતા પરંતુ સરકારના
વિભાગો સહિત ગણા મિલકતધારકો હજી સુધી વેરો ભરવા માટે ડોકાતા નથી. જેના કારણે
કોર્પોરેશન દ્વારા તેમની પાસેથી વેરા વસુલાત માટે કડક ઝુંબેશ શરૃ કરવામાં આવી છે
અને તેમને આગામી અઠવાડિયામાં બીજી નોટિસ આપવાનુ પણ નક્કી કરવામાં આવ્યું છે. હવે
મહાનગરપાલિકા દ્વારા બાકીદારો પૈકી જેમના ૧ લાખથી વધુ રૃપિયાનો પ્રોપર્ટી ટેક્સ
બાકી હોય તેવા બાકીદારોની યાદી તૈયાર કરવામાં આવશે. તેમને બીજી નોટીસ આપવામાં
આવશે. વિવિધ તબક્કામાં કુલ ત્રણ નોટીસ આપવામાં આવશે તે પછી મિલકત જપ્તી, સીલીંગ સહિતની કાર્યવાહી
હાથ ધરવામાં આવશે.