ડેવલોપમેન્ટ કરારની સ્ટેમ્પ ડયૂટી વસૂલવા મુદ્દે વડોદરામાં રૃા.૪ હજાર કરોડની મિલકતોના દસ્તાવેજો સ્થગિત
તા.૭ માર્ચ ૨૦૨૪ના સરકારના પરિપત્રને આધાર બનાવી જૂના કરારોમાં પણ વધુ સ્ટેમ્પ ડયૂટી વસુલાતા ઉચ્ચસ્તરે રજૂઆત
વડોદરા, તા.30 જમીન માલિક અને ડેવલોપર વચ્ચેના કરારમાં સ્ટેમ્પ ડયૂટી ઓછી ભરી હોવા મુદ્દે ગ્રાહકોના પણ દસ્તાવેજો સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં અટકાવી દેવાતા વડોદરામાં આશરે રૃા.૪ હજાર કરોડની મિલકતોના દસ્તાવેજો સ્થગિત કરી દેવામાં આવ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે વડોદરા શહેરમાં છેલ્લા ૨૫ વર્ષ ઉપરાંતથી જમીન માલિકો અને તેમની માલિકી કબજા ભોગવટાવાળી જમીનોને ડેવલોપ કરવા પ્રમોટરો અથવા બિલ્ડરો પેઢીની તરફેણમાં રજિસ્ટર ડેવલોપમેન્ટ કરાર સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરી જમીનોને ડેવલોપ કરવામાં આવે છે. વર્ષ-૨૦૧૧ સુધી આ કરારો માટે માત્ર રૃા.૧૦૦ સ્ટેમ્પ ડયૂટી વસૂલાતી હતી જેમાં તબક્કાવાર વધારો કરવામાં આવતો હતો અને તા.૭ માર્ચ ૨૦૨૪ના રોજ સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડી ડેવલોપમેન્ટ કરાર પર ૪.૯૦ ટકા લેખે સ્ટેમ્પ ડયૂટી વસૂલ કરવાનું નક્કી કરાયું હતું.
આ પરિપત્રનો આધાર બનાવીને તા.૭ માર્ચ ૨૦૨૪ પહેલાં ડેવલોપમેન્ટ કરાર થયો હોય તેવા કિસ્સામાં સબ રજિસ્ટ્રારો દ્વારા દસ્તાવેજોની નોંધણી અટકાવી દેવામાં આવી છે. બીજી બાજુ સ્ટેમ્પ ડયૂટી મુલ્યાંકન તંત્ર દ્વારા નોટિસો ઇસ્યૂ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલાં ક્રેડાઇ દ્વારા ગાંધીનગર ખાતે આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી અને સરકાર દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું કે અગાઉ થયેલા કરારમાં વધુ રકમની સ્ટેમ્પ ડયૂટી વસૂલવામાં નહી આવે પરંતુ આ અંગે કોઇ સ્પષ્ટતા નહી કરાતા સબ રજિસ્ટ્રાર કચેરીઓ દ્વારા ડેવલોપમેન્ટ કરારમાં વધુ સ્ટેમ્પ ડયૂટીનો આગ્રહ રાખીને ગ્રાહકોને વેચાતા ઘર, ફ્લેટ કે દુકાનોના દસ્તાવેજો અટકાવી દેવામાં આવ્યા છે.
ક્રેડાઇએ દાવો કર્યો છે કે માત્ર વડોદરામાં જ છેલ્લા છ માસમાં આશરે રૃા.૪ હજાર કરોડથી વધુ મિલકતના રજિસ્ટર બાનાખત કરાર અને રજિસ્ટર વેચાણ દસ્તાવેજો નોંધવાનું અટકાવી દેવાયું છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઇ નિરાકરણ સરકાર દ્વારા કરાયું નથી. એક માસ પછી દિવાળી હોવાથી શહેરીજનોની દિવાળી બગડે તેવી સ્થિતિ પણ સર્જાઇ છે.
વધુ સ્ટેમ્પ ડયૂટી વસુલવા અને ૧૦ ગણી પેનલ્ટી વસૂલવા નોટિસો
જૂના ડેવલોપમેન્ટ કરારોમાં સ્ટેમ્પ ડયૂટી વધુ વસૂલવા માટે સ્ટેમ્પ ડયૂટી મુલ્યાંકન કચેરીઓ દ્વારા પણ પગલાં લેવાનું શરૃ કરી દેવામાં આવ્યું છે. વડોદરામાં બે કચેરીઓ દ્વારા તમામ જમીન માલિકો અને બિલ્ડરોને નોટિસો આપવામાં આવી છે તેમજ નોટિસોમાં વદુ ૧.૪ ટકા સ્ટેમ્પ ડયૂટી વસૂલ કરવા અને ૧૦ ઘણી પેનલ્ટી ભરવાની નોટિસો ફટકારવામાં આવી છે.
વર્ષ-૨૦૧૧થી સ્ટેમ્પ ડયૂટીમાં સતત થયેલો વધારો
વર્ષ-૨૦૧૧ સુધી રજિસ્ટર ડેવલોપમેન્ટ કરાર પર સરકાર દ્વારા માત્ર ૧૦૦ સ્ટેમ્પ ડયૂટી વસૂલાતી હતી અને ત્યારબાદ વર્ષ-૨૦૧૧થી વર્ષ-૨૦૧૪ સુધી માત્ર ૧ ટકા સ્ટેમ્પ ડયૂટી લેવાતી હતી. બાદમાં વર્ષ-૨૦૧૪થી તા.૭ માર્ચ ૨૦૨૪ સુધી ડેવલોપમેન્ટ કરાર ઉપર ૩.૫૦ ટકા સ્ટેમ્પ ડયૂટી વસૂલ કરવામાં આવતી હતી. ડેવલોપરો દ્વારા આ સ્ટેમ્પ ડયૂટી અને રજિસ્ટ્રેશન ફી લેવાતી હતી અને તા.૭ માર્ચ ૨૦૨૪ બાદ ૪.૯૦ ટકા સ્ટેમ્પ ડયૂટી વસૂલવાનો નિર્ણય લેવાયો હતો.