વડોદરા, સાવલી અને વાઘોડિયાના ૧૦૭ ગામોની મિલકતોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર
વડોદરા તાલુકાના ગામોમાં પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અન્ય ગામોમાં પણ ડ્રોન સર્વેથી કામગીરી ઃ આઝાદી બાદ પ્રથમ વખત માલિકોને પ્રોપર્ટીકાર્ડ મળશે
વડોદરા, તા.11 વડોદરા જિલ્લામાં દરેક તાલુકાના ગામોમાં પ્રોપર્ટીના માલિકોને પોતાની પ્રોપર્ટીનું રેકર્ડ માપ સહિત મળે તે માટે પ્રોપર્ટીકાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ માટે લીધેલા વડોદરા તાલુકાના ૩૫ ગામોમાં પ્રોપર્ટી કાર્ડ આપવાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે સાવલી અને વાઘોડિયા તાલુકાના ગામોને પ્રોપર્ટીકાર્ડ આપવા માટેની તૈયારીઓ પૂર્ણતાને આરે છે.
ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારમાં મિલકતના માલિકોને પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવે છે તેવી જ રીતે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવશે. ગામતળમાં પ્રોપર્ટી માલિક પાસે પોતાની પ્રોપર્ટી અંગેનું કોઇ રેકર્ડ આજદિન સુધી ન હતું તેવા માલિકોને પણ પ્રોપર્ટીકાર્ડ આપવા માટેનો પ્રોજેક્ટ સ્વામિત્વ યોજના શરૃ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ દરેક ગામમાં દરેક ઘરમાં પ્રોપર્ટીકાર્ડ આપી તેઓનેે માલિક તરીકે પ્રસ્થાપિત કરાશે. વડોદરા જિલ્લામાં આ અંગે ડ્રોનથી સર્વે બાદ માપણી, માર્કિગ સહિતની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે.
જે ઘરનું રેકર્ડ આજદિન સુધી ન હતું તેવા ઘરના માલિકોને રેકર્ડ મળે તે માટે ચોક્સાઇથી માર્કિગ અને માપણી કરવામાં આવી રહી છે. જિલ્લા નિરિક્ષણ જમીન દફ્તર દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી વખતે પ્રોપર્ટીના માલિકોને આકારણીપત્રક, વેરાપાવતી, વાડાપત્રક સહિતના પુરાવા રજૂ કરવાના રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે વાઘોડિયા તાલુકામાં છ ગામો સિટિ સર્વે નિભાવણીમાં છે એટલે કે આ ગામોમાં પ્રોપર્ટીકાર્ડ પહેલેથી જ અપાય છે તાલુકાના કુલ ૯૬ ગામો પૈકી ૪૯ ગામોના ડ્રોન સર્વે કરી પ્રોપર્ટીકાર્ડ તૈયાર થઇ ગયા છે અને તબક્કાવાર તેની વહંચણી કરવામાં આવી રહી છે. આ તાલુકાનું જેસિંગપુરા ગામ રનવે ઓથોરિટિના વિસ્તારમાં આવે છે જેથી ઓથોરિટિની મંજૂરી બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
આ ઉપરાંત સાવલી તાલુકામાં કુલ ૮૯ ગામો પૈકી ચાર ગામોમાં અગાઉથી જ પ્રોપર્ટીકાર્ડો માલિકોને આપી દેવાયા છે અને ૨૬ ગામોના ડેટા પણ તૈયાર થઇ ગયા છે જેનું એક માસમાં વિતરણ કરી દેવાશે.