નકશા સાથેનું પ્રોપર્ટીકાર્ડ મેળવનાર આસોજનો મિલકત માલિક રાજ્યમાં પ્રથમ

પ્રોપર્ટીકાર્ડમાં સરકારને ભરવાની થતી મહેસૂલ અથવા અન્ય રકમની પણ વિગતો દર્શાવાશે

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
નકશા સાથેનું પ્રોપર્ટીકાર્ડ મેળવનાર આસોજનો મિલકત માલિક રાજ્યમાં પ્રથમ 1 - image

વડોદરા, તા.20 સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વડોદરા જિલ્લામાં આસોજના મિલકતમાલિકનું પ્રોપર્ટીકાર્ડ નકશા સાથેનું ઇસ્યૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ જિલ્લામાં હવે અન્ય ગામોના મિલકતધારકોના પોતાની મિલકતના માપ અને દિશા સાથેના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરી ઓનલાઇન કરી દેવાયા છે.

ઉલ્લેખનીય છે કે મિલકતધારકોને પોતાની મિલકતની ઓળખ માટેનો પુરાવો મળે તેમજ પોતાની પ્રોપર્ટીના ઉપયોગથી બેંકમાંથી લોન લેવી હોય અથવા પંચાયત દ્વારા વેરો લેવામાં સરળતા રહે તે માટે પ્રોપર્ટીકાર્ડ બનાવવાની સ્વામિત્વ યોજના શરૃ કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં આ યોજના અંતર્ગત ખુબ ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને તે મુજબ વાઘોડિયા, સાવલી તેમજ વડોદરા તાલુકાના અનેક ગામોમાં સ્વામિત્વ યોજના અંતર્ગત માપણી કર્યા બાદ ઇન્કવાયરી ઓફિસરના ઠરાવ મુજબ પ્રમોલગેશન દ્વારા પોતાની મિલકતના હક્ક પ્રાપ્તિનો આધાર મળી રહે તે માટે પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

સમગ્ર રાજ્યમાં ચાલતી આ પ્રક્રિયા અંતર્ગત વડોદરા તાલુકાના આસોજ ગામના મોટો કોળીવગામાં રહેતા મિલકતના માલિક પ્રવિણ છગનભાઇ પાવા સૌપ્રથમ એવા માલિક છે કે જેમણે પોતાની મિલકતનું માપ અને નકશા સાથેનું પ્રોપર્ટીકાર્ડ મેળવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવારે જ તેમને ઓનલાઇન પ્રોપર્ટીકાર્ડ ઇસ્યૂ કરવામાં આવ્યું છે. આ પ્રોપર્ટીકાર્ડ એવું હશે કે જે ચતુઃસિમા દર્શાવતી નકશાની એક અલગ કોલમ પણ તેમાં હશે. સ્વામિત્વ યોજના અંતર્ગત એક પ્રોપર્ટીકાર્ડ માલિકને મફત અપાયું હતું પરંતુ ત્યારબાદ વધારાની નકલ મેળવવા માટે સરકાર દ્વારા નકકી કરવામાં આવેલી સામાન્ય રકમ ભરવાની રહેશે.

આ પ્રોપર્ટીકાર્ડની એક બીજી ખાસિયત એ પણ છે કે તેમાં સરકારને ભરવાની થતી મહેસૂલ અથવા અન્ય રકમ જે સામાન્ય હોય છે તેની પણ નોંધ કરેલી હોય છે. આમ સંપૂર્ણ વિગતો સાથેનું પ્રોપર્ટીકાર્ડ મેળવનાર આસોજનો રહીશ સૌપ્રથમ મિલકતનો માલિક બન્યો છે.

આધારકાર્ડની જેમ હવે પ્રોપર્ટી માટે યુપીન નંબર મળશે

સ્વામિત્વ યોજનાનું સ્વતંત્ર મિલકતનું પ્રોપર્ટીકાર્ડ તૈયાર થતાંની સાથે જ હવે તેમાં યુનિક પ્રોપર્ટી આઇડેન્ટિફિકેશન નંબર (યુપીઆઇએન) પણ મળી જશે. દેશના નાગરિકની ઓળખ આધાર નંબરથી સરળતાથી થાય છે તેવી જ પ્રોપર્ટીની ઓળખ સમગ્ર દેશ માટે એક હોય તેવી મળશે. વડોદરા તાલુકાના આસોજ ગામના રહીશને જે પ્રોપર્ટીકાર્ડ ઇસ્યૂ કરવામાં આવ્યું છે તેમાં આ નંબરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વડોદરામાં ૧૦૮ ગામોની મિલકતોને યુપીન નંબર અપાયા

સમગ્ર રાજ્યમાં મિલકતની નકશા સાથેનું પ્રોપર્ટીકાર્ડ આપવાનું શરૃ કરવામાં આવ્યું છે. આ પ્રકારનું પ્રોપર્ટીકાર્ડ મેળવનાર વડોદરા જિલ્લાનો મિલકતમાલિક સૌપ્રથમ વ્યક્તિ બન્યો છે. આવી જ રીતે હવે વડોદરા જિલ્લામાં ૧૦૮ ગામની પ્રોપર્ટી માટેના પ્રોપર્ટીકાર્ડ માટે યુપીન નંબર સાથેના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. સ્વામિત્વ યોજના હેઠળ તૈયાર થયેલા આ પ્રોપર્ટીકાર્ડ જો કોઇ માલિક મેળવશે તો તેને યુપીન નંબર પણ મળશે.


Google NewsGoogle News