એમ.એસ.યુનિ.માં ૨૫૦ અધ્યાપકોના પ્રમોશન પાંચ વર્ષથી અટવાયા છે
વડોદરાઃ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં દર વર્ષે અધ્યાપકો માટે બઢતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને બીજી તરફ એમ.એસ.યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ વર્ષથી અધ્યાપકોની બઢતીની કાર્યવાહી જ હાથ ધરવામાં આવી નથી.તેમાં પણ હવે કોમન એકટ લાગુ થઈ જતા આ અધ્યાપકોના પ્રમોશન કેવી રીતે થશે તેને લઈને પણ અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાઈ છે.
મળતી વિગતો પ્રમાણે વિવિધ ફેકલ્ટીઓમાં ફરજ બજાવતા ૨૫૦ ઉપરાંત અધ્યાપકો પ્રમોશન માટે લાયકાત ધરાવે છે પણ પ્રમોશન માટેની કાર્યવાહી ૨૦૧૮થી થઈ જ નથી.અધ્યાપકોએ કરેલી અરજીઓનો યુનિવર્સિટીના અંધેર વહિવટના કારણે નિકાલ થયો નથી અને ઘણા અધ્યાપકો તો બઢતી વગર જ નિવૃત્ત થઈ ગયા છે.
યુજીસી દ્વારા તેમજ ગુજરાત સરકાર દ્વારા બઢતી આપવા માટેના નિર્દેશ હોવા છતા પ્રમોશનના અભાવે અધ્યાપકોને અન્યાય થઈ રહ્યો છે.અધ્યાપકો રિસર્ચ ગાઈડ તરીકે નિમણૂંક નથી મેળવી શક્યા અને તેની અસર રિસર્ચ પર પણ પડી રહી છે.
કેટલાક સમય પહેલા અધ્યાપક સંગઠન શૈક્ષિક સંઘે આ મુદ્દે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ધરણા કરવામાં આવ્યા હતા.તે સમયે વાઈસ ચાન્સેલર અને સિન્ડિકેટ દ્વારા બઢતી માટે કાર્યવાહી હાથ ધરવા ખાતરી અપાઈ હતી.જોકે એ પછી ૨૫૦ જેટલા અધ્યાપકોના પ્રમોશન અધ્ધરતાલ જ છે.હવે તો કોમન એકટના કારણે સિન્ડિકેટનુ અસ્તિત્વ પણ રહ્યુ નથી ત્યારે અધ્યાપકોને પ્રમોશન મળશે કે કેમ તેના પર સવાલ સર્જાયો છે.
કોમન એકટ લાગુ થયા બાદ જ્યારે વાઈસ ચાન્સેલર સર્વેસર્વા છે ત્યારે અધ્યાપક સંગઠનો પણ હવે પ્રમોશન મુદ્દે દેખાવો કરતા બે વખત વિચાર કરશે તેવુ પણ ચર્ચાઈ રહ્યુ છે.