વડોદરા: સિંધરોટ પાણી પુરવઠા યોજનાના ઇન્ટેક વેલને જોડતા બ્રિજના તૂટી પડેલા સ્પાનને નવેસરથી બનાવવાની કામગીરી શરૂ
- મે મહિનાના અંત સુધીમાં કાર્ય પૂર્ણ કરી જૂન મહિનામાં પાણી સપ્લાયનો ટ્રાયલ લેવા પ્રયાસ
વડોદરા,તા. 16 એપ્રિલ 2022,શનિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહી નદી ખાતે સિંધરોટ પાસે 165 કરોડના ખર્ચે પાણી પુરવઠાની યોજના ઊભી કરવામાં આવી રહી છે. ગઈ તારીખ 25ના રોજ ઇન્ટેક વેલ સાથે પાઇપલાઇન જોડવા માટે ઊભા કરતા બ્રિજનો સ્પાન તૂટી ગયો હતો. આ ઘટના બાદ હવે બ્રિજના સ્પાનને નવેસરથી બનાવવા ફેબ્રીકેશનની પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજ સ્થળે સ્પાનના તૂટી ગયેલા કાટમાળને હટાવી લીધા બાદ હવે બેઝ બનાવવાની કામગીરી ચાલુ થઈ છે. બેઝ બન્યા બાદ આગળનું કાર્ય શરૂ થશે. અત્યાર સુધી એવું કરાતું હતું કે ફેબીકેશન સ્ટ્રક્ચર નીચે બનાવીને ઉપર ગોઠવાતુ હતું, પરંતુ હવે ઉપર જ ફેબ્રીકેશનની કામગીરી કરવામાં આવશે. જેના લીધે સમયનો બચાવ થશે, અને કામગીરી જલ્દી પુર્ણ થશે. હાલમાં બિલ્ડરના ખર્ચે જ રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. મે મહિનાના અંત સુધીમાં ઇન્ટેક વેલને જોડતા બ્રિજના સ્પાન અને પાઇપલાઇનના જોડણની કામગીરી પૂરી કરી દેવાશે, અને જૂન મહિનામાં પાણી સપ્લાયનો ટ્રાયલ લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
કોર્પોરેશન દ્વારા અમૃત યોજના હેઠળ સિંધરોટ ખાતે મહી નદીમાં ઇન્ટેક વેલ બનાવી 150 એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે 19 કિલોમીટર લાંબી લાઈન શહેર સુધી લાવવા 165 કરોડના ખર્ચે યોજના તૈયાર થઈ રહી છે. ઇન્ટેક વેલ સાથે પાઇપલાઇન જોડવા બ્રીજ સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ઉપરોક્ત ઘટના બની હતી. 60 મીટરનો સ્પાન ગોઠવતી વખતે છટકીને નીચે ખાબક્યો હતો, જેમાં બે મજૂર દટાયા હતા. ઇન્ટેક્વેલ સાથે પાઇપલાઇનના જોડાણ માટે બ્રિજનું માળખું ઊભું કરાયું છે, અને પાંચ સ્પાન તેના પર બેસાડવાના હતા. જેમાંથી ચાર સ્પાન બેસાડી દેવાયા છે, અને હવે પાંચમા સ્પાનની કામગીરી બાકી છે.( સ્પાન એટલે બે પીલર વચ્ચે બ્રિજનો ભાગ) હવે આ પાંચમા સ્પાનની કામગીરી પૂર્ણ થવાનું કામ શરૂ કરાયું છે.