ગાંધીનગરમાં ભાડે, ડબલ એક્સીલેટર અને બ્રેકવાળી કારમાં ટેસ્ટ આપવા પર પ્રતિબંધ
બારડોલીમાંથી કૌભાંડ પકડાયા બાદ
ટેસ્ટ એક જ વાહનચાલકે આપવાનો હોય છે ત્યારે આવા ફતવાથી સામાન્ય અરજદારો પર વિપરીત અસર
ગાંધીનગર : થોડા દિવસો પહેલા બારડોલીમાં આરટીઓની ટેસ્ટ આપતો અરજદાર ડબલ એક્સીલેટર અને બ્રેકવાળી ડ્રાઇવીંગ સ્કૂલની કાર લઇને ખોટીરીતે ટેસ્ટ આપતો હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ગાંધીનગરમાં પણ કોઇ પણ કાર ભાડે લઇને ટેસ્ટ આપવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
આરટીઓ પાસે મહત્વનું એકમાત્ર ટેસ્ટીંગ અને લાયસન્સનું કામ
બાકી રહ્યું છે તેમાંથી પણ આરટીઓના ઇન્સ્પેક્ટર તથા અધિકારીઓ રૃપિયા રળવાનો કોઇને
કોઇ કિમિયો શોધી જ કાઢે છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં આરટીઓ તંત્ર પંકાતુ જાય છે
અને ઉચ્ચ અધિકારીઓ પણ આવા લેભાગુ અધિકારીઓ ઉપર વોચ રાખીને બેઠા છે. વારંવાર
ચેકીંગના બહાને અધિકારીઓને ટકોર પણ કરતા જાય છે તેમ છતા તંત્ર સુધરતું નથી. આવી
સ્થિતિ વચ્ચે તાજેતરમાં બારડોલીમાં ડબલ એક્સીલેટર અને બ્રેકવાળી કાર સાથે વાહનચાલક
ટેસ્ટ આપતો વિડીયો વાયરલ થયો હતો જેના પગલે આરટીઓના ઉચ્ચ અધિકારીઓ સફાળા જાગ્યા
હતા અને આ પ્રકારે મોટર ડ્રાઇવીંગની કાર સાથે ટેસ્ટ નહીં આપવાનો ફતવો બહાર પાડી
દેવામાં આવ્યો છે. ગાંધીનગર આરટીઓમાં પણ તેના પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. અહીં
પણ અગાઉ ટેસ્ટ માટે સાદી કાર ભાડે આપવામાં આવતી હતી તેમને દૂર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે,ગાંધીનગરના
ટેસ્ટીંગ ટ્રેક ઉપર ફોર વ્હિલરના ડ્રાઇવીંગ ટેસ્ટ વખતે ટેસ્ટ આપનાર એક જ અરજદાર
કારમાં બેઠેલો હોય છે ત્યારે ડબલ એક્સીલેટર કે બ્રેક હોય તો પણ ચીટીંગ કે
ગેરરીતીનો પ્રશ્ન આવતો નથી.