અધ્યાપક ABVPની ફેવરમાં વોટસએપ પર પોસ્ટ કરે છે, NSUIએ આક્ષેપ કરી પોલીટેકનિક ખાતે હોબાળો મચાવ્યો
વડોદરા,તા.12 જાન્યુઆરી 2024,શુક્રવાર
એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકમાં ફરજ બજાવતા અધ્યાપક પર ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીનો સોશિયલ મીડિયામાં પ્રચાર કરવાનો આરોપ લગાવીને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ પોલીટેકનિક ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો.
એનએસયુઆઈના કાર્યકરોએ અધ્યાપકને સસ્પેન્ડ કરવાની અને તેઓ રાજીનામુ આપે તેવી માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને આખી પોલીટેકનિકને માથે લીધી હતી. એનએસયુઆઈના વડોદરા પ્રમુખ અમર વાઘેલાએ આક્ષેપ કર્યો હતો કે, મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં ફરજ બજાવતા અધ્યાપક સમીર શાહે એબીવીપીનો પ્રચાર કરતી પોસ્ટ વિદ્યાર્થીઓના ગ્રુપમાં મુકી હતી. બાદમાં વિવાદ થવાની બીકે તેમણે પોસ્ટ ડિલિટ તો કરી નાંખી હતી પણ કેટલાક વિદ્યાર્થીઓએ તેના સ્ક્રીન શોટ પાડીને અમને મોકલી આપ્યા હતા. અધ્યાપકને એબીવીપીનો પ્રચાર કરવો હોય તો નોકરી છોડી દેવી જોઈએ. તેઓ પોલિટિકલ એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે.
એનએસયુઆઈ દ્વારા આ મુદ્દે પોલીટેકનિકના પ્રિન્સિપાલની ઓફિસમાં રજૂઆત કરવામાં આવી હતી. આ સમયે સમીર શાહ પણ ત્યાં આવ્યા હતા. એનએસયુઆઈના કાર્યકરોએ સમીર શાહના ફોટાની ફોટોકોપી ફાડીને તેના ટુકડા તેમના પર ફેંકયા હતા.
બીજી તરફ અધ્યાપક સમીર શાહે કહ્યુ હતુ કે, મેં આ પોસ્ટ વિદ્યાર્થીઓને જાણકારી આપવા માટે મુકી હતી. મારો કોઈ રાજકીય ઈરાદો નહોતો. મેં જે ગ્રુપમાં પોસ્ટ મુકી હતી તે પણ કોઈ સત્તાવાર ગ્રુપ નથી. એનએસયુઆઈના કાર્યકરોએ પોલીટેકનિકના પ્રિન્સિપાલને ધમકી આપી છે કે, જો અધ્યાપકને સસ્પેન્ડ નહીં કરાય તો હજી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.