૧૯૫૫માં એમ.એસ.યુનિ.માં બાયોકેમેસ્ટ્રી વિભાગની સ્થાપના કરનાર પ્રો.રામક્રિષ્નનનું ૯૮ વર્ષની વયે નિધન
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના સૌથી પ્રતિષ્ઠિત વિભાગો પૈકીના એક બાયો કેમેસ્ટ્રી વિભાગના સ્થાપક તેમજ નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાાનિક પ્રો. વેંકી રામક્રિષ્નનના પિતા પ્રોફેસર સી વી રામક્રિષ્નનનું તા.૮ નવેમ્બરે ૯૮ વર્ષની વયે બ્રિટનના કેમ્બ્રિજ ખાતે નિધન થયું છે.તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા.
પ્રો.રામક્રિષ્નન ૧૯૫૫માં તામિલનાડુથી વડોદરા આવ્યા હતા અને એમ.એસ.યુનિવર્સિટીમાં ટાંચા સંસાધનો વચ્ચે બાયો કેમેસ્ટ્રી વિભાગની સ્થાપના કરી હતી.
બાયોકેમેસ્ટ્રી વિભાગના પૂર્વ હેડ અને હવે નિવૃત્ત પ્રોફેસર સરિતા ગુપ્તાએ કહ્યું હતું કે, ૧૯૮૬માં પ્રો.રામક્રિષ્નન નિવૃત્ત થયા બાદ ચેન્નાઈ જતા રહ્યા હતા.૨૦૦૯માં પ્રો.વેંકીને નોબેલ પ્રાઈઝ મળ્યા બાદ તેમના પ્રયાસોના કારણે સાયન્સ ફેકલ્ટીમાં પાંચ વર્ષનો સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજીનો કોર્સ શરુ થયો હતો.એ પછી તેઓ ૨૦૧૯ સુધી નિયમિત રીતે યુનિવર્સિટીની મુલાકાત લેતા હતા.
પ્રો.રામક્રિષ્નન માટે બાયો કેમેસ્ટ્રી વિભાગમાં ૧૮ નવેમ્બરના રોજ એક શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.