લૂંટના ગુનામાં હાજર નહીં રહેતા આરોપીને ફરાર જાહેર કરવાની કાર્યવાહી
૨ જી સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન
વડોદરા,વારસિયામાં મહિલાના ઘરમાં ઘુસીને દાગીનાની લૂંટ ચલાવવાના ગુનામાં કોર્ટમાં હાજર નહીં રહેતા આરોપીને ફરાર જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વારસિયા રીંગ રોડ શારદા સોસાયટીમાં રહેતા અમિતાબેન દિપકકુમાર પુરોહિત ગત ઓક્ટોબર - ૨૦૨૦ ના અરસામાં ઘરે હતા. તે દરમિયાન આરોપી તેમના ઘરે વીજ કંપનીના કર્મચારીના સ્વાંગમાં આવ્યો હતો. ત્યારબાદ તા.૨૩ મી એ સવારે ૯ વાગ્યે આરોપી ફરીથી અમિતાબેનના ઘરે રિપેરિંગના બહાને આવ્યો હતો. લાઇટ બિલની ઝેરોક્ષ તેણે માંગતા મહિલા અંદરના રૃમમાં ઝેરોક્ષ લેવા માટે ગયા હતા. ત્યારે આરોપીએ તેઓનું ગળું દબાવી સોનાના દાગીના લૂંટી લીધા હતા. જે અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ કેસમાં પોલીસે આરોપી મહેંમદ મુસ્તુફા ઉર્ફે ખાન સાહબ અનવરખાન પઠાણ (રહે. શિવમ પ્લાઝા, ખોડિયાર ચા વાળા પટેલ કોલોની, જામનગર)ની ધરપકડ કરી હતી. કોર્ટમાં ટ્રાયલ દરમિયાન આરોપી હાજર નહી રહેતા તેને ફરાર જાહેર કરવા અંગેની કાર્યવાહી હાથ ધરી હતી. વારસિયા પોલીસ સ્ટેશનના પી.આઇ.એસ.એમ. વસાવાએ તેના સરનામા પર તથા અન્ય સ્થળે પણ તપાસ કરી હતી. તેમછતાંય આરોપી મળી આવ્યો નહતો. કોર્ટે આરોપીને ૨ જી સપ્ટેમ્બરે હાજર થવા ફરમાન કર્યુ છે.