વોર્ડ નં.૧૩માં ગંદા અને દુષિત પાણીનો પ્રશ્ન માથાનો દુખાવો
કાયમી નિરાકરણ આવતુ જ નથી ખાડિયા પોળ નં.૧માં સમસ્યા ઊભી થઈ
વડોદરા,વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના વોર્ડ નં.૧૩માં વિવિધ વિસ્તારમાં ગંદા અને દૂષિત પાણીનો પ્રશ્ન માથાના દુખાવારૃપ બની ગયો છે.
સમગ્ર વિસ્તારમાંથી દૂષિત પાણીની સમસ્યા ઊઠે છે. એક સ્થળે પ્રશ્ન હલ થાય તો બીજી જગ્યાએથી ગંદા પાણીની ફરિયાદ ઊઠે છે. વોર્ડ નં. ૧૩ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ વહીવટી વોર્ડ નંબર.૧૩માં વિવિધ વિસ્તારો નવાપુરા, બકરાવાડી વગેરેમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાનું પાણી ડ્રેનેજ મિશ્રિત પાણી મળે છે. એક જગ્યાનો પ્રશ્ન હલ કરતા બીજે સમસ્યા ઊભી થાય છે. વિસ્તારમાં ગંદા પાણીની ફરિયાદ રોજબરોજની જ થઈ ગયેલી છે, અને વહીવટી તંત્ર તેને ગંભીરતાથી લેતુ નથી, એવું સ્પષ્ટ લાગે છે. આજે ખાડિયા પોળ નંબર ૧ ની અંદર છેલ્લા ઘણા દિવસોની રજૂઆત બાદ પણ ફરિયાદનો નિકાલ ન થતા વિસ્તારના નાગરિકો દ્વારા પાલિકા તંત્રનો વિરોધ કરવામાં આવ્યો હતો. ચોમાસાની સીઝનમાં આ ગીચ વસ્તીમાં ગંભીર રોગચાળો દૂષિત પાણીથી ફાટી ન નીકળે તેવી દહેશેત લોકોએ વ્યક્ત કરી હતી. ગંદા પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા તેમણે કમિશ્નરને રજૂઆત કરી હતી.