વડોદરામાં શિક્ષિકાની છેડતી, 'મેડમ એક વર્ષથી એકતરફી પ્રેમ કરું છું, આખો સમાજ આવા જ માર્ગે છે'
Vadodara : છેલ્લા એક વર્ષથી શિક્ષિકાને હું તમને એકતરફી પ્રેમ કરું છું તેમ કહી હેરાન પરેશાન કરતાં નિમેટાની સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરાના પૂર્વ વિસ્તારમાં રહેતી 42 વર્ષની શિક્ષિકાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે નિમેટા ખાતે આવેલી શ્રીમતી સી.એમ. ઘીયા સાર્વજનિક હાઇસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રકાશ દાઉદભાઇ પરમાર (રહે.નિર્મલનગર સો., ગામડી, તા.આણંદ) છેલ્લા એક વર્ષથી મને હેરાન કરે છે. મને રસ્તામાં ઊભી રાખી 'મેડમ હું તમને એકતરફી પ્રેમ કરું છું, તેમ કહી હું સ્કૂટર પર ઘેર જતી હોઉં ત્યારે મારો પીછો કરે છે'. વેકેશનમાં પણ હું ઘેર હતી ત્યારે મારા ઘેર આવીને પરેશાન કરતો હતો.
30 સપ્ટેમ્બરના રોજ હું ઘેર જતી હતી ત્યારે આજવા ચોકડીથી વાઘોડિયા ચોકડી તરફ નેશનલ હાઇવે પરથી પસાર થતા વાઘોડિયા બ્રિજના સર્વિસરોડ પરથી જતી હતી ત્યારે કાર લઇને પ્રકાશ પરમારે આવીને મને આંતરી હતી અને અપશબ્દો બોલી મારો હાથ પકડી છેડતી કરી કહ્યું હતું કે 'મેડમ હું તમને છેલ્લા એક વર્ષથી એકતરફી પ્રેમ કરું છું, આખો સમાજ હવે આવાજ માર્ગે ચાલે છે. તમે કેમ ના પાડો છો ?
તે વખતે મેં મારો હાથ છોડ નહી તો બૂમાબૂમ કરીશ તેમ કહેતાં પ્રકાશ પરમારે મેડમ તમે ઘેર જઇને વિચાર કરજો તેમ કહી ધમકી આપી હતી. બાદમાં તે વીડિયોકોલ અને ફોન કરી હેરાન પરેશાન કરતો હતો. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને પણ લેખિત અને મૌખિક ફરિયાદ કરી હતી.