ડુંગળીના ભાવમાં ભડકો, ખંડેરાવ માર્કેટમાં ડુંગળીનો ભાવ કિલોના ૬૦ રુપિયા

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
ડુંગળીના ભાવમાં ભડકો, ખંડેરાવ માર્કેટમાં ડુંગળીનો ભાવ  કિલોના ૬૦ રુપિયા 1 - image

વડોદરાઃ તહેવારોની સીઝન ટાણે જ ડુંગળીના ભાવમાં થયેલો ભડકો ગૃહિણીઓના બજેટ ખોરવી રહ્યો છે.આજે વડોદરાના ખંડેરાવ માર્કેટમાં એક કિલો ડુંગળીનો ભાવ ૬૦ રુપિયા સુધી પહોંચ્યો હતો.જ્યારે છુટક માર્કેટમાં અને શાકભાજીના લારીઓ પર ડુંગળી તેના કરતા પણ વધારે ભાવે વેચાતી જોવા મળી હતી.

ખંડેરાવ માર્કેટના વેપારીઓનુ કહેવુ છે કે, દર વર્ષે આ સમયગાળા દરમિયાન ડુંગળીના ભાવમાં વધારો થતો હોય છે પણ આ વખતે અચાનક જ અને ઘણા ઝડપથી ભાવ વધ્યા છે.ગત સપ્તાહે ખંડેરાવ માર્કેટમાં ડુ ંગળી ૩૦ રુપિયા કિલોના ભાવે વેચાતી હતી અને એક જ અઠવાડિયામાં ભાવ વધીને બમણા થયા છે.આ સમયગાળા દરમિયાન વડોદરામાં મોટાભાગની ડુંગળીનો જથ્થો નાસિકથી આવતો હોય છે.જોકે ત્યાંથી આવતા પૂરવઠામાં ઘટાડો થયો હોવાથી ભાવ વધ્યા છે.વધેલા ભાવના કારણે ડુંગળીની ખરીદી  પર પણ અસર પડી હોવાથી વેપારીઓ પણ ઓછી ડુંગળી ખરીદી રહ્યા છે.

એક વેપારીએ કહ્યુ હતુ કે, ડુંગળીના ભાવ વધવાથી ડુંગળીની ખરીદી ઘટી છે પણ અટકી નથી.કારણકે રોજ બરોજના ભોજનમાં ડુંગળીની જરુર પડતી જ હોય છે.ગૃહિણીઓ બજેટ સાચવવા માટે પહેલા પાંચ કિલો તો હવે એક કિલો ડુંગળી ખરીદી રહી છે.

વેપારીઓનુ માનવુ છે કે, દિવાળીના તહેવારો ટાણે ડુંગળીના ભાવ વધીને ૧૦૦ રુપિયા સુધી પણ પહોંચી શકે છે.જેના કારણે તહેવારો સમયે લોકોને ડુંગળી રડાવશે તેમ લાગી રહ્યુ છે.એક તરફ ડુંગળીના ભાવ વધ્યા છે ત્યારે  તાજેતરમાં છુટક બજારમાં ૨૦૦ રુપિયે કિલો વેચાતા ટામેટાના ભાવમાં કડાકો જોવા મળ્યો છે.આમ પહેલા ટામેટા તો હવે ડુંગળીના ભાવ વધારાનો લોકો સામનો કરી રહ્યા છે.


Google NewsGoogle News