વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ જારી : અકોટા થી મુંજમહુડા સુધીના દબાણો હટાવ્યા
વડોદરા,તા.4 જાન્યુઆરી 2024,ગુરૂવાર
નવા વર્ષના પ્રારંભથી જ છેલ્લા દોઢ એક મહિનાથી એક્શનમાં આવેલી પાલિકા તંત્રની દબાણ શાખાએ શહેરમાં ચારે બાજુએથી ગેરકાયદે દબાણનો સપાટો બોલાવ્યો છે ત્યારે આજે અકોટા દિનેશ મિલ થી મુંજમહુડા શિવાજી ચોક સુધીના રોડ રસ્તાની બંને બાજુએ થયેલા ગેરકાયદે લારી ગલ્લા પથારાના દબાણો સહિત શેડ બાંધીને ફૂટપાથ પર વેપાર ધંધો કરનારા શાકભાજીવાળાઓ સહિત અનેકના ગેરકાયદે દબાણો દૂર કરીને રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા દબાણ શાખાની ટીમ રોજિંદા ક્રમ મુજબ આજે પણ વહેલી સવારથી ગેરકાયદે દબાણનો સફાયો કરવા નીકળી હતી રોજે રોજ જુદા જુદા વિસ્તારમાં ત્રાટકતી દબાણ શાખાની ટીમે આજે અકોટા વિસ્તારની દિનેશ મીલ થી શિવાજી ચોક મુંજ મહુડા સુધીમાં અનેક ગેરકાયદે લારીઓ પથારા ખડકીને વેપાર ધંધો કરતા હોવાની ફરિયાદો વારંવાર કચેરીએ અને પાલિકા તંત્રને મળી હતી
પરિણામે આજે સવારથી જ આ વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી અનેક ગેરકાયદે ખડકાયેલા લારી ગલ્લા, શેડ બાંધીને શાકભાજીનો વેપાર ધંધો કરનારા સહિતના અનેક દબાણો દૂર કરી પાલિકા તંત્રની દબાણ શાખાએ શેડ પણ હટાવ્યા હતા.