સ્કોલરશિપ માટે ઈ-કેવાયસી કરવા આચાર્યો પર વધી રહેલું દબાણ
વડોદરાઃ સ્કૂલોમાં હાલમાં ચાલી રહેેલી પરીક્ષા વચ્ચે પણ શિક્ષકો અને આચાર્યો પર વિદ્યાર્થીઓની સ્કોલરશિપ સ્કીમ માટે ઈ-કેવાયસીની કાર્યવાહી કરવા માટે દબાણ વધી રહ્યું છે અને તેના કારણે આચાર્યોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વડોદરામાં લગભગ ૧૫ થી ૨૦ ટકા વિદ્યાર્થીઓની ઈકેવાયસી બાકી છે.જેને લઈને દર સપ્તાહે ડીઈઓ કચેરી દ્વારા ઓછામાં ઓછી બે વખત આચાર્યોની બેઠક બોલાવીને તેમને ગમે તે ભોગે પણ વિદ્યાર્થીઓની ઈ કેવાયસીની કાર્યવાહી પૂરી કરવા માટે આદેશ આપવામાં આવી રહ્યો છે.
એક આચાયેએ કહ્યું હતું કે,સ્કોલશિપ મેળવવા માટે ઈ કેવાયસી કાર્યવાહી કરવાની હોય છે.આ માટે રેશન કાર્ડમાં વિદ્યાર્થીનું નામ અને વિદ્યાર્થીનુ આધાર કાર્ડ મોબાઈલ સાથે કનેકટ હોવું જરુરી છે.જેમની ઈ કેવાયસી બાકી છે તેવા કિસ્સાઓમાં મોટાભાગે રેશન કાર્ડમાં વિદ્યાર્થીનું નામ નથી હોતું, નામ હોય તો ખોટું હોય છે, અથવા તો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર કનેકટ નથી હોતો.જેના કારણે પોર્ટલ પર ઈ કેવાયસીની પ્રક્રિયા પૂરી થતી નથી અને મોબાઈલ પર ઓટીપી જનરેટ થતો નથી.
આચાર્યના કહેવા પ્રમાણે વાલીઓ પોતે પણ સરકારી કચેરીઓમાં રેશનકાર્ડમાં નામ ઉમેરવા કે સુધારવા માટે ધક્કા ખાઈને કંટાળી ગયા છે ત્યારે ડીઈઓ કચેરીના અધિકારીઓ હવે અમને એવું ફરમાન કરી રહ્યા છે કે, જરુર પડે તો તમે મામલતદાર કચેરી જાઓ પણ આ પ્રક્રિયા કોઈ પણ સંજોગોમાં પૂરી કરો.આમ સ્કૂલોના આચાર્યો અને શિક્ષકોનો વગર વાંકે મરો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશિપ યોજનામાં ધો.૧ થી ૫ના વિદ્યાર્થીઓને ૧૬૫૦ રુપિયા તથા ધો.૬ થી ૮ના વિદ્યાર્થઈઓને ૧૯૫૦ રુપિયા આપવામાં આવે છે.આ રકમ સીધી તેમના બેન્ક એકાઉન્ટમાં જમા થાય છે.