વડોદરા ની આસપાસ GIDC,,શિક્ષણધામો અને બીજા પ્રોજેક્ટને જોઇ ભવિષ્યમાં મેટ્રોની સંભાવના તપાસવા માંગણી
વડોદરાની નારાયણ વિદ્યાલયના બનાવ બાદ પંચાયતની તમામ સ્કૂલોની બિલ્ડિંગોની તપાસ કરાશે
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની આજે મળેલી કારોબારી સમિતિમાં કેટલાક મહત્વના વિષયોની ચર્ચા કરી પંચાયત દ્વારા ઠરાવ કરી સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જેમાં વડોદરાથી વાઘોડિયા અને વડોદરાથી પાદરાનો સંપૂર્ણ માર્ગ સિક્સલેન કરવાની માંગણી મુખ્ય રહી હતી.
વડોદરા જિલ્લા પંચાયતની આગામી તા.૩૦મીએ જનરલ મીટિંગ મળવાની છે તે પહેલાં આજે ચેરમેનના અધ્યક્ષપદે કારોબારી સમિતિની મીટિંગ મળી હતી.જેમાં વડોદરાની નારાયણ વિદ્યાલયની દીવાલ ધરાશાયી થવાના બનેલા ગંભીર બનાવની ચર્ચા થઇ હતી.સભ્યોએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક સ્કૂલોમાં આ પ્રકારનો બનાવ ન બને તે માટે સતર્ક રહેવા અને તમામ સ્કૂલોના બિલ્ડિંગ સ્ટ્રક્ચરની તપાસ કરાવવા તંત્રને સૂચના આપી હતી.
આ ઉપરાંત વડોદરાથી વાઘોડિયા વચ્ચે ૫.૫ કિમી નો સિક્સલેન બન્યો છે તે માર્ગ ભક્તિનગરથી વાઘોડિયા સુધી પણ લંબાવવા માટે તેમજ આવી જ રીતે વડોદરાથી પાદરા વચ્ચે પણ સિક્સલેન માર્ગ બને તે માટે પંચાયત દ્વારા ઠરાવ કરીને સરકારને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કારોબારી સમિતિએ હવે પછીના દાયકામાં વડોદરાની આસપાસ મંજૂસર,પોર, વાઘોડિયા જેવી ઔધોગિક વસાહતો ઉપરાંત યુનિવર્સિટી,કોલેજોનો વિકાસ અને આવી રહેલા નવા પ્રોજેક્ટોને અનુલક્ષીને મેટ્રો પ્રોજેક્ટની સંભાવના ચકાસવા માટે પણ સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે.
વડોદરા જિલ્લા પંચાયતની જનરલ મીટિંગ પહેલીવાર ધારાસભા હોલમાં મળશે
વડોદરા જિલ્લા પંચાયતની દર ત્રણ મહિને મળતી જનરલ મીટિંગ પહેલીવાર જૂની કલેક્ટર બિલ્ડિગમાં મળનાર છે.
વડોદરા જિલ્લા પંચાયતનું નવ માળનું બિલ્ડિંગ છે અને તેમાં વિશાળ સભાગૃહ પણ આવેલું છે.પરંતુ તેનું રિનોવેશન ચાલી રહ્યું છે.
જેને કારણે આગામી તા.૩૦મીએ મળનારી જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ મીટિંગનું સ્થળ પહેલીવાર બદલવામાં આવ્યું છે.હવે આ મીટિંગ કોઠી કચેરી ખાતેના જૂની કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં મળશે.
જિલ્લા પંચાયતના ભવનમાં પડીકી ખાઇ થૂંકનારને રૃ.200નો દંડ
વડોદરા જિલ્લા પંચાયતમાં સ્વચ્છતા જાળવવા માટે કોઇ પણ માળ પર કે યુરિનલમાં પાન-પડીકી ખાઇને થૂંકનાર માટે રૃ.૨૦૦ નો દંડ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે સિક્યુરિટી ગાર્ડ તેમજ કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.કારોબારીના ચેરમેન નિલેશ પુરાણીએ કહ્યું હતું કે,પંચાયત ભવનમાં રંગરોગાન પાછળ મોટો ખર્ચ કર્યા પછી પણ આ પ્રકારની ગંદકી કરવામાં આવતી હોવાથી કડક પગલાં લેવાનું નક્કી કરાયું છે.