વડોદરાના ઉદ્યોગ સંગઠનોની રજૂઆત, ગ્રામ પંચાયતોની દાદાગીરી, વીજ કાપ જેવી સમસ્યાના કારણે ઉદ્યોગો પરેશાન

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
વડોદરાના ઉદ્યોગ સંગઠનોની રજૂઆત, ગ્રામ પંચાયતોની દાદાગીરી, વીજ કાપ જેવી સમસ્યાના કારણે ઉદ્યોગો પરેશાન 1 - image


- નંદેસરીમાં અન્ડર ગ્રાઉન્ડ વીજ કેબલનો પ્રોજેકટ પાંચ વર્ષથી લટકી રહ્યો છે, ગ્રામ પંચાયતો મન ફાવે તેવા વેરા વસૂલે છે, સરકાર નાના ઉદ્યોગોનુ પણ સાંભળે 

વડોદરા,તા.6 ઓક્ટોબર 2023,શુક્રવાર

વીસીસીઆઈ(વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ)ના ઉપક્રમે વડોદરા અને તેની આસપાસની જીઆઈડીસીઓના ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ જીસીસીઆઈ(ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ)ના હોદ્દેદારો વચ્ચે આજે એક બેઠકનુ આયોજન થયુ હતુ. જેમાં વડોદરાના ઔદ્યોગિક સંગઠનોએ પોતાની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી અને આ સમસ્યાઓને મુખ્યમંત્રી તથા ઉદ્યોગ મંત્રી સુધી પહોંચાડવા માટે અપીલ કરી હતી.

ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓએ અલગ અલગ મુદ્દાઓ ઉઠાવતા કહ્યુ હતુ કે, નંદેસરીના ઉદ્યોગો માટે વીજળીની સમસ્યા આજે પણ યથાવત છે. છેલ્લા પાંચ વર્ષથી અન્ડર ગ્રાઉન્ડ વીજ કેબલ નાખવાનો પ્રોજેકટ લટકી રહ્યો છે. માત્ર નંદેસરી જ નહીં બીજી જીઆઈડીસીઓમાં પણ દિવસમાં ત્રણ થી ચાર વખત વીજળી ગૂલ થવી એ સામાન્ય બાબત છે.

સાથે સાથે ઉદ્યોગપતિઓએ કહ્યુ હતુ કે, જીઆઈડીસી સિવાય ગ્રામ પંચાયતની હદમાં જે  ઉદ્યોગો આવેલા છે તેમને ઘણી વખત ગ્રામ પંચાયત કે ગામના સરપંચોની હેરાનગતિનો સામનો કરવો પડે છે. તેઓ ઉદ્યોગોને હેરાન કરવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરિયાદો કરે છે અને જીપીસીબી ખોટી રીતે કનડગત પણ કરે છે. ઉપરાંત સરકારે ઉદ્યોગો પાસેથી વેરો લેવા માટે ગ્રામ પંચાયતો પર નિયંત્રણો નહીં મુક્યા હોવાથી મન ફાવે તેમ વેરો વસૂલવામાં આવે છે. નાના ઉદ્યોગોને તો જીએસટીને લઈને પણ હેરાનગતિ વેઠવાનો વારો આવી રહ્યો છે. સરકારના અધિકારીઓ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે તો વાઈબ્રન્ટ થતા હોય છે પણ નાના ઉદ્યોગો માટે તેઓ કેમ આ પ્રકારની તત્પરતા નથી બતાવતા? ગુજરાતમાં ગુજરાતીઓને ખતમ કરવા માટે તંત્ર કામ કરતુ હોય તેમ લાગે છે.

- ગુજરાતમાં ઉદ્યોગો માટે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તાતી જરુરિયાત

જીસીસીઆઈના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ સમીર એન્જિનિયરનુ કહેવુ હતુ કે, ગુજરાતમાં નાના ઉદ્યોગો અને વેપારીઓને સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટીને લગતી સમસ્યાઓ કનડી રહી છે તે વાત સાચી છે. બીજી પણ ઘણી બાબતો છે. ગુજરાતમાં જે રીતે ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે તેની સામે સરકારે પણ નવી જીઆઈડીસીઓ સહિતની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં ઝડપ કરવાની જરુર છે. નવા ઉદ્યોગોને યોગ્ય ભાવે જમીન અને બીજી સુવિધાઓ મળવી જોઈએ.ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની પોલિસી... નાના ઉદ્યોગો  માટે લાગુ પડે તેવો માહોલ સર્જવાની જરુર છે. વડોદારના ઔદ્યોગિક સંગઠનોએ આજે જે રજૂઆતો કરી છે તે સરકાર સુધી પહોંચાડીશું. જીસીસીઆઈ જે પણ રજૂઆતો સરકારમાં કરે છે તેમાંથી મોટાભાગના પ્રશ્નોનો ઉકેલ સરકારના અધિકારીઓ ત્વરિત લાવવાનો પ્રયાસ પણ કરતા હોય છે.

- માત્ર કાગળ લખવાથી સરકારમાં કામ નહીં થાય 

વડોદરાના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, માત્ર કાગળ લખવાથી સરકારમાં કામ થઈ જશે તેવી આશા ના રાખો. ઉદ્યોગોએ પોતાના પ્રશ્નોની સતત રજૂઆત કરતા રહેવાની જરુર છે. જીસીસીઆઈ વડોદરાના ઉદ્યોગપતિઓને સાથે રાખીને મુખ્યમંત્રી સાથે એક બેઠક યોજે અને તેમાં જે સૌથી વધારે ગંભીર અને તમામને અસર કરતા પ્રશ્નો છે તે ઉઠાવવામાં આવે.

- દર મહિને એક બેઠક યોજાય તેવી વ્યવસ્થા ગોઠવીશું

વીસીસીઆઈના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલે  કહ્યુ હતુ કે, વડોદરાના ઉદ્યોગોના પ્રશ્નો જીસીસીઆઈ સુધી નિયમિત રીતે પહોંચતા રહે તે માટે હવે દર મહિને ઉદ્યોગ જગતના સંગઠનોના પ્રતિનિધિઓ અને જીસીસીઆઈના હોદ્દેદારોની ઓનલાઈન અથવા ઓફલાઈન બેઠક યોજાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.


Google NewsGoogle News